પોલાદી મહિલા ઇંદિરા ગાંધીની આજે જન્મજયંતી, રાહુલ ગાંધીએ શક્તિ સ્થળ પર પુષ્પાંજલિ આપી

ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીએ જેમને દુર્ગા કહીને બિરદાવ્યાં હતાં એ સદ્ગત વડા પ્રધાન ઇંદિરા ગાંધીની આજે જન્મજયંતી છે. તેમના પૌત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પાટનગર નવી દિલ્હીમાં ઇંદિરાજીની સમાધિ શક્તિ સ્થળે જઇને પોતાના દાદીમાને પુષ્પાંજલિ આપી હતી

1960ના દાયકામાં ત્યારના વડા પ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીજીના અકાળ અવસાન પછી કોંગ્રેસના પીઢ નેતાઓએ ગૂંગી ગૂડિયા તરીકે ઓળખાતાં ઇંદિરા ગાંધીને એમ સમજીને વડા પ્રધાનપદે બેસાડ્યાં હતાં કે એ કહ્યાગરા બની રહેશે. પરંતુ ઇંદિરા ગાંધીએ તો કોંગ્રેસના બે ફાડિયાં કરી નાખ્યાં અને બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું.

પોલાદી મનોબળ ધરાવતાં ઇંદિરા ગાંધીએ 1071માં પાકિસ્તાન સાથે યુદ્ધ કરીને પૂર્વ પાકિસ્તાનને અલગ કરી નાખ્યું હતું અને બાંગ્લા દેશનો જન્મ થયો હતો. જો કે એમના શાસનકાળમાં જ ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી અને લોકનાય જય પ્રકાશ નારાયણે ભ્રષ્ટચાર સામે આંદોલન ઉપાડતાં વાતાવરણ તંગ બન્યું હતું.  ઇંદિરાજીની ચૂંટણીને અલાહાબાદ હાઇકોર્ટે રદ કરતાં 1975ના જૂનની 25મીએ તેમણે દેશમાં આંતરિક કટોકટી લાદી હતી. કટોકટી પછી 1977માં ચૂંટણી થતાં ઇંદિરાજી હારી ગયાં હતાં અને પહેલીવાર દેશમાં જનતા સરકાર આવી હતી.

પરંતુ જનતા પક્ષની આંતરિક ખેંચતાણનો લાભ લઇને ઇંદિરાએ જનતા સરકારને  ગબડાવી હતી અને 1080માં ફરી વડા પ્રધાન બન્યાં હતાં. 1980ના દાયકામાં પંજાબમાં ખાલિસ્તાનવાદી આતંકવાદ વકરતાં ઇંદિરાજીએ શીખોના સર્વોચ્ચ યાત્રાધામ અમૃતસરના સુવર્ણ મંદિરમાં છૂપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા લશ્કર મોકલ્યું હતું. એ પગલાંથી નારાજ થયેલા શીખોમાં ઇંદિરાજીના અંગરક્ષકો પણ હતા. 1984ના ઓક્ટોબરની 31મીએ ઇંદિરાજીને તેમના જ અંગરક્ષકોએ ઠાર કર્યા હતાં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.