મકરસંક્રાતિના તહેવાર માટે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું DJ, સ્પીકર પર પ્રતિબંધ

આગામી મકરસંક્રાંતિના તહેવારમાં ગંભીર અકસ્માત બનતા અટકાવવા અને જાહેર જનતાની સલામતી જાળવવા તેમજ કોવિડ-19નું સંક્રમણ ફેલાઇ નહિ માટે સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા તા.17/01/2022 સુધી નિયંત્રણો ફરમાવ્યા છે અને જે અનુસાર કોઇપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહીં તેમજ પતંગ ચગાવી શકાશે નહીં અને પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્રાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યું છે.

માસ્ક વિના કોઇપણ વ્યક્તિને મકાન, ફલેટના ધાબા, અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહીં.અને ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજીયાતપણે કરવાની રહેશે. મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઇપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં.તેમજ સોસાયટી સંબંધીત કોઇપણ સુચનાઓના ભંગ બદલ સોસાયટીના સેક્રેટરી/અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે. અને સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે.

ઉપરાંત મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઇપણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શકયતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે અને 65 વર્ષથી વધુ વયના વયસ્ક વ્યક્તિઓ, અન્ય રોગોથી પીડીત વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓ ઘરે રહે તે સલાહભર્યું છે. કોઇપણ વ્યક્તિ જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહશાંતિનો ભંગ થાય તેવા કોઇપણ પ્રકારના લખાણો/સ્લોગન/ચિત્રો પતંગ પર લખી શકશે નહીં.

ગૃહવિભાગના તા.06/01/2022ના પત્રથી અપાયેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને જે વ્યક્તિઓ સુરત શહેરમાં જુદા જુદા સ્થળોએ આવેલ પતંગ બજાર જેવા કે રાંદેર, મહીધરપુરા ભાગળ, ચોકબજાર, વરાછા વિગેરેની મુલાકાત લે ત્યારે કોવિડ-19ના નિયમનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને વ્યક્તિઓની સંખ્યા મર્યાદિત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે. કોવિડ-19ના સંદર્ભે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તેમજ અત્રેથી જાહેર કરવામાં આવેલ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.