વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લાવી રહેલા કાફલાની જીપ પલટી જતા વિકાસે અધિકારીની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયત્ન કરેલો
કાનપુર શૂટઆઉટ કાંડનો મુખ્ય આરોપી વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી એસટીએફ તેને લઈને ઉજ્જૈનથી કાનપુર આવી રહી હતી તે સમયે પોલીસ સાથેની અથડામણમાં તે માર્યો ગયો હતો. કાનપુર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, વિકાસ દુબેને લઈને કાનપુર આવી રહેલા એસટીએફના કાફલાની જીપ પલટી ખાઈ ગઈ હતી. ગાડી પલટ્યા બાદ વિકાસે હથિયાર છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
પોલીસે વિકાસને આત્મસમર્પણ કરવા પડકાર કર્યો હતો પરંતુ વિકાસે ફાયરિંગ શરૂ કરી દીધું હતું જેથી કેટલાક સિપાહી ઘાયલ પણ થયા હતા. ત્યાર બાદ પોલીસની જવાબી કાર્યવાહીમાં વિકાસ દુબેને ગોળી વાગી ગઈ હતી. ભાગતી વખતે પોલીસની ગોળી વાગવાથી હિસ્ટ્રીશીટર વિકાસ ઘાયલ થયો હતો અને થોડી વારમાં તેના મૃત્યુના સમાચાર આવ્યા હતા.
વહેલી સવારે 6:30 કલાકે આ એક્સીડન્ટ થયો હતો અને ત્યાં ઉપસ્થિત લોકોના કહેવા પ્રમાણે ગાડી પલટ્યા બાદ તેમણે ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો પરંતુ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. ગાડી પલટી ગઈ તે સમયે ભારે વરસાદ વરસી રહ્યો હતો અને પાછળ મીડિયાની ગાડી હોવાથી એસટીએફની ગાડી ખૂબ જ તેજ ગતિએ ભાગી રહી હતી.
હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી કાનપુર લઈને આવી રહેલા એસટીએફના કાફલાની ગાડી પલટી ગઈ હતી અને તે સમયે વિકાસ દુબેએ એસટીએફના અધિકારીની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
સચેંડી હાઈવે પર કાફલાની ગાડી અનિયંત્રિત થઈને પલટી હતી અને કાનપુરના બર્રા થાણા ક્ષેત્ર પાસે આ ઘટના બની હતી. અથડામણ બાદ વિકાસના શબને કાનપુરની હૈલટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું અને લાલા લજપતરાય હોસ્પિટલના ડોક્ટર્સે વિકાસ માર્યો ગયો હોવાની પૃષ્ટિ કરી છે.
ઉલ્લેખનીય છે કે વિકાસ દુબે ઉપર આઠ પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપ હતો અને ઘટનાના આશરે 150 કલાક બાદ ગઈકાલે તેની ઉજ્જૈનના મહાકાલ મંદિર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.