રાજ્યના ગૃહ વિભાગની કામગીરી સામે ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે સવાલો ઉઠાવતા ગુજરાત સરકાર ભીંસમાં મુકાઈ છે. વિદેશથી આવતા ગુજરાતીઓ સાથે અમદાવાદ એરપોર્ટ ઉપર પોલીસના વ્યવહાર, ભ્રષ્ટાચાર અને બેહુદા વર્તનને કારણે ગુજરાત અને દેશની આબરૂ લજવાયાની હૈયાવરાળ ઠાલવતા ખેડાના સાંસદે ગૃહમંત્રી પ્રદિપસિંહને પત્ર લખી આવા તત્વોને કાબુમાં રાખવા માંગણી કરી છે.
પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ, જાહેર માર્ગો ઉપર નાગરીકો સાથે અણછાજતા વર્તનને લઈને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ગૃહ વિભાગ સામે પસ્તાળ પાડી છે, સવાલો ઉભા કર્યા છે. બોરસદના NRI પરિવારને પોલીસે હેરાન કર્યા હતા. ભાજપના સાંસદે પત્ર લખ્યો છે. જેમાં તેમણે ગૃહમંત્રીને ઉદ્દેશીને જણાવ્યુ છે કે, અમદાવાદ એરપોર્ટ આજુબાજુ આપના વિભાગના કર્મચારીઓ દ્વારા અણછાજતા વર્તન, ભ્રષ્ટાચારની ફરીયાદો આપને પણ મળી છે. હું વિદેશ પ્રવાસમાં હતો ત્યારે મને પણ રજૂઆતો મળી છે.
ગૃહ વિભાગ કાયદો અને વ્યવસ્થાથી સરકારની શિસ્તબધ્ધ આબરૂ ઉભી કરી શકે છે પરંતુ, તેના બહાના હેઠળ ગુજરાત અને દેશને લાંછન લાગે તેવુ કૃત્યુ ઠીક નથી. તમે ગેરશિસ્ત, ભ્રષ્ટાચાર આચરી આન-શાનને નુકશાન કરતા તત્વોને કાબુમાં રાખો” ભાજપના દેવુસિંહે ખેડા-આણંદના ગુજરાતીઓએ પોતાના બળે ગુજરાત અને દેશનું નામ રોશન કર્યાના ઉલ્લેખ સાથે દાનના અવિરત પ્રવાહથી શિક્ષણ, આરોગ્ય અને અન્ય માળખાકિય સુવિધાઓ ઉભી કર્યાનુ સરકારને યાદ કરાવ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.