પોલીસ કર્મીની માનવતા, 480 કિમી એક્ટિવા ચલાવીને કેન્સરના દર્દીને દવા પહોંચાડી

 

કોરોનાના કારણે દેશવ્યાપી લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા કોરોના વોરિયર્સમાંથી કેટલાક ઉમદા કામ કરીને બીજા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે.

બેંગ્લોરના પોલીસ કંટ્રોલ રુમમાં પરજ બજાવતા પોલીસ જવાન એસ કુમારસ્વામી કેન્સરના એક પેશન્ટ માટે મસીહા બનીને ઉભરી આવ્યા છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે 47 વર્ષીય કુમારસ્વામી ફરજ બજાવતા હતા ત્યારે એક સ્થાનિક ચેનલ પર તેમણે ધારવાડમાં રહેતા કેન્સર પેશન્ટ ઉમેશની વાત સાંભળી હતી. ઉમેશને કેન્સરની સારવાર માટે જે દવા જોઈએ છે તે બેંગ્લોરમાં જ મળે છે અને રવિવાર સુધી દવાનો ડોઝ લેવો પડે તેમ હતો.

લોકડાઉન વચ્ચે ઉમેશ કે તેના પરિવારજનોનુ તો 480 કિમી દુર આવેલા બેંગ્લોર સુધી પહોંચવુ મુશ્કેલ હતુ. આ વાત સાંભળ્યા બાદ કુમારસ્વામીએ ટીવી ચેનલ પાસેથી ઉમેશનો નંબર લીધો હતો. એ પછી ઉપરી અધિકારી પાસે દવા લઈને ધારવાડ જવાની પરવાનગી માંગી હતી.

આ પરવાનગી મળી ગઈ હતી પણ પરિવારજનો નારાજ થયા હતા. આમ છતા એક્ટિવા લઈને કુમારસ્વામી સવારે ચાર વાગ્યે નીકળ્યા હતા અન બપોરે અઢી વાગ્યે ધારવાડ પહોંચ્યા હતા.

ઉમેશ તો પહેલા માની શક્યો નહોતો કે બેંગ્લોરથી એક પોલીસ કર્મી દવા આપવા માટે આવ્યા છે. સ્વામીએ ફરી વળતી મુસાફરી શરુ કરી હતી.રાતે રસ્તામાં એક ફાયર સ્ટેશન ખાતે આરામ કર્યો હતો અને સવારે સાડા પાંચ વાગ્યે ફરી એક્ટિવા ચલાવવાનુ શરુ કરીને બેંગ્લોર પહોંચ્યા હતા. 30 કલાકમાં તેમણે 960 કિમીની મુસાફરી કરી હતી.

કુમારસ્વામીનુ કહેવુ છે કે, મારે ધારાવાડ સાથે કોઈ સબંધ નથી પણ ટીવી પર આ દર્દીની વેદના સાંભળીને આત્મના અવાજને અનુસરી કામ કર્યુ હતુ. બેંગ્લોર પોલીસ કમિશનરે તેમને સન્માનિત કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.