થેંક યુ મોદીજી લખેલા પોસ્ટસૅ થયા વાયરલ ,જાણો સી. આર. પાટીલે શું આપ્યો જવાબ.

facebook.com

કોરોના મહામારીમાં એક તરફ લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે, લોકો ઝડપથી સંક્રમિત થઇ રહ્યા છે, મોતના આંકડા વધતા જાય છે. જરૂરી દવાઓ અને ઇંજેકશન શોધવામાં લોકોને નવનેજા પાણી ઉતરી રહ્યા છે તેવા સમયે રાજકારણીઓ ગંદુ રાજકારણ કરવામાંથી ઉંચા નથી આવતા.સોશિયલ મીડિયા પર ભાજપના નામથી વહેતા થયેલા એક મેસેજને કારણે ભારે હોબાળો મચી ગયો છે. જો કે ભારે હોબાળો બાદ આ મેસેજ ફેક હોવાનું સામે આવ્યું હતું. પણ વાત એ છે કે લોકોની મદદ કરવાને બદલે રાજકારણીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરપયોગ કરીને વાતાવરણ બગાડવાની કોશિશ કરી રહ્યા છે.

તાજેતરમાં કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં ગયેલા દિનેશ કાછડીયાના નામથી એક પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. જેમાં 4 પોસ્ટરો દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો પર ઉપર વડાપ્રધાન નરેન્દ્ મોદીનો ફોટો છે અને બીજો ફોટો ભાજપ પ્રદેશ સી.આર. પાટીલનો છે. દરેક પોસ્ટરમાં કોરોનાના સમયમાં કરેલા જુદા જુદા કામો માટે વડાપ્રધાનને થેંક્યું કહેવામાં આવ્યું છે. એક પોસ્ટરમાં લખવમાં આવ્યું છે કે ગુજરાત એવું એક માત્ર રાજય છે જયાં એક પણ નાગરિક હોસ્પિટલ બિલના કારણે દેવાદાર નથી થયો. બીજા પોસ્ટરમાં એવું લખવામાં આવ્યું છે કે ગુજરાત એક માત્ર એવું રાજય છે જયાં પ્રાઇવેટ હોસ્પિટલના બિલ પર લગામ લગાવવાનું કાર્ય કર્યું છે. અન્ય પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ગુજરાત એક માત્ર એવું રાજય છે કે જયાં ઓકસીજનના અભાવે કોઇ પણ નાગરિકનું મૃત્યું થયું નથી. અન્ય પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ગુજરાત એવું એક માત્ર રાજય છે જયા એક પણ ઇન્જેકશનના કાળાબજાર થયો નથી. અને બધા પોસ્ટરમાં THANK YOU MODIJI એવું લખવામાં આવ્યું છે..

આ બાબતે અમે ભાજપના નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો સંપર્ક કર્યો હતો અને પોસ્ટર બાબતે પુછતા તેમણે કહ્યું હતું કે આવા પોસ્ટર અમે બનાવ્યા નથી અને અમે દિનેશ કાછડીયા સામે ફરિયાદ નોંધાવી રહ્યા છે.

આપ નેતા દિનેશ કાછડીયાને પણ ફોન કરીને પુછ્યું હતું કે આ પોસ્ટર તમે કેવી રીતે મુક્યા? તો કાછડીયાએ કહ્યુ હતું કે ફેસબુક પર આ પોસ્ટમે જોઇ એટલે બીજા લોકોને મોકલી. આ પોસ્ટરો મેં જાતે બનાવ્યા નથી.અહીં સવાલ એ છે કે એક જવાબદાર નેતાએ સોશિયલ મીડિયા પર આવતા સમાચારની ખરાઇ કર્યા વગર હોબાળો થાય તેવા સમાચાર વાયરલ કરવા ન જોઇએ. સાચું હોય તો કહેવામાં વાંધો નથી, પણ ખોટો સમાચારો ફેલાવવાને કારણે વાતાવરણ બગડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.