વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો ભાજપના ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે
વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવવાના નામે ગરીબ લોકો પાસેથી રૂ.1.20 લાખ ગેરકાયદેસર ઉઘરાવવામાં આવી રહયા છે અને આવા 91 ગરીબો પાસેથી લાખ્ખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ ડભોઇના ભાજપાના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ કર્યો છે અને આ કૌભાંડ આચરનાર ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખતા પાલિક દ્વારા ધારાસભ્યની ફરિયાદના આધારે આ કૌભાંડ કરનારા સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભારત સરકાર દ્વારા ગરીબ લોકોને ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં મકાનો બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલાક ઈસમો મકાન લેવા ઇચ્છતા લોકોનો સંપર્ક કરી મકાન અપાવવાના નામે રૂપિયા 1.20 લાખ ઉઘરાવી રહ્યા છે.ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવા માટે કેટલાક ઈસમો કાર્યરત થયા છે અને રૂપિયા 1.20 લાખ પડાવી રહયા છે.અને જે પૈકી રૂપિયા 20,000 કોર્પોરેશનના નામનો ડ્રાફ્ટ બનાવવા માટે અને રૂપિયા 1 લાખની વડોદરા મહાનગરપાલિકાની પાવતી આપવામાં આવે છે. અને રૂપિયા 1.20 લાખ ટોળકી દ્વારા મકાન લેવા ઇચ્છતા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવા મામલે તપાસ કરવા જણાવ્યુ છે.
આ પ્રકારે છેતરપીંડીનો ભોગ બનેલા 91 ગરીબ લોકોના નામની યાદી સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને તા.10 ફેબ્રુઆરી-2022ના રોજ પત્ર લખી કાર્યવાહી કરવા માંગણી કરી છે. આ અંગે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ, હજુ સુધી પોલીસ ફરિયાદ થઇ નથી પરંતુ જો તપાસ થાયતો મોટું રેકેટ બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.