સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારો પર કડક ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકો મરી રહ્યાં છે અને વધુ લોકોની હાલત ખરાબ થશે પરંતુ શાસનમાં બેઠેલા લોકોને માત્ર એકબીજાર પર આક્ષેપ કરવામાં રસ છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે મકાન બાંધકામના કામો, તોડફોડ પર પ્રતિબંધ લાગે. જે લોકો આ કામ કરે છે તેઓ પાસેથી 1 લાખ રૂપિયા તેમજ કચરો તથા ખેત કચરો બાળનારાઓ પાસેથી 5000 રૂપિયા દંડ વસુલાવું જોઈએ. ખુલ્લામાં કચરો ફેંકી દેવા પર પણ મહાનગરપાલિકાઓએ નજર રાખવી જોઈએ. કોર્ટે કહ્યું કે દિલ્હી અને કેન્દ્ર સરકારે એક બીજા પર દોષારોપણ કરવાને બદલે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો કે પર્યાવરણ નિષ્ણાતોને 30 મિનિટમાં કોર્ટમાં બોલાવવામાં આવે. સોમવારે દિલ્હી-એનસીઆરમાં પણ હવાની ગુણવત્તામાં કોઈ સુધારો થયો નથી. ગુડગાંવમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) 800 થી વધુ નોંધાયું હતું. આ સીઝનમાં સૌથી વધુ છે.
સુપ્રીમ કોર્ટે સખત ટિપ્પણી કરી હતી કે તમામ રાજ્ય સરકારો તેમની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ ગઈ છે. આવી બેદરકારી પર સંબંધિત લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. આ સાથે હવે આ મામલાની વધુ સુનાવણી 6 નવેમ્બરના રોજ થશે. અગાઉ કોર્ટે પરાલી સળગાવવા બાબતે સખત નારાજગી વ્યક્ત હતી. કોર્ટે સરકારી કર્મચારીઓ, રાજ્ય સરકારો પર પ્રહાર કરતાં કહ્યું હતું કે બધા પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા છે. તેમણે ખેડૂતોને પૂછ્યું કે તેઓ તેમના જીવનનિર્વાહ માટે કેવી રીતે ખેત કચરો બાળી શકે છે. આવા ખેડૂતો પ્રત્યે આપણને કોઈ સહાનુભૂતિ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે ડીઝલ જનરેટરનો ઉપયોગ ન થાય. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં કોઈપણ કિંમતે વીજળી કાપવી ન જોઈએ તેવો આદેશ આપ્યો છે. પ્રારંભિક સુનાવણી દરમિયાન કોર્ટે કડક સ્વરમાં કહ્યું હતું કે, સંસ્કારી દેશમાં આવું ન થવું જોઈએ. કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું- ‘દર વર્ષે દિલ્હીમાં પરિસ્થિતિ પ્રદૂષણને કારણે વિકટ બને છે અને આપણે કાંઇ કરી શકતા નથી. આ દર વર્ષે થાય છે અને તે છેલ્લા 14 વર્ષથી થઈ રહ્યું છે. આવું ન થવું જોઈએ, જીવન જીવવાનો અધિકાર સૌથી વધુ મહત્વપૂર્ણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.