પ્રશાંત ભૂષણનો કેસ બંધારણીય બેન્ચને સોંપવો જોઈએ : ભૂતપૂર્વ જજ જોસેફ કુરિયન

વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણ સામે કોર્ટના તિરસ્કારના કેસની સુનાવણી બંધારણીય બેન્ચે કરવી જોઇએ એવું જાહેર સૂચન સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ જોસેફ કુરિયને કર્યું હતું. સુપ્રીમ કોર્ટ આજે વીસમી ઑગષ્ટે પ્રશાંત ભૂષણને કોર્ટના તિરસ્કારના આરોપ બદલ કેટલી અને કેવી સજા કરવી એની સુનાવણી કરવાની છે.

જસ્ટિસ કુરિયને આ કેસની બાબતમાં એક ઇન્ટ્રા-કોર્ટ અપીલની માગણી પણ કરી હતી. તેમણે કહ્યું કે બંધારણની 145 (3) કલમ મુજબ બંધારણની વ્યાખ્યા સાથે જોડાયેલા કોઇ પણ કેસની સૂનાવણી ઓછામાં ઓછા પાંચ જજોની બેન્ચ કરી શકે. હાલમાં સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણની બાબતમાં જે બે મુદ્દા ધ્યાનમાં લીધા છે તેમાં બંધારણની વ્યાખ્યા અને લોકોના મૂળભૂત અધિકારો પર એના ગંભીર પ્રત્યાઘાતોનો સમાવેશ થાય છે.આ હકીકત ધ્યાનમાં લેતાં આ કેસની સૂનાવણી બંધારણીય બેન્ચ દ્વારા થાય એ જરૂરી છે.

બીજી બાજુ પ્રશાંત ભૂષણની તરફેણમાં બે દિવસ પહેલાં 1500 ટોચના વકીલોએ સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યા બાદ હવે જુદા જુદા રાજકીય પક્ષોના 21 નેતાઓએ પણ ભૂષણની તરફેણ કરી હતી. એવા નેતાઓમાં કોંગ્રેસના દિગ્વિજય સિંઘ અને શશી થરૂર, જદયુના શરદ યાદવ, માર્ક્સવાદી- સામ્યવાદી પક્ષના સીતારામ યેચુરી, નેશનલ કોન્ફરન્સના ડૉક્ટર ફારુખ અબ્દુલ્લા અને ભૂતપૂર્વ નાણાંપ્રધાન યશવંત સિંહા જેવા ટોચના નેતાઓનેા સમાવેશ થયો હતો.

પ્રશાંત ભૂષણે 2009માં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના પચાસ ટકા ભૂતપૂર્વ જજો ભ્રષ્ટ હતા. એમણે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓની પણ ટીકા કરી હતી. તેથી સુપ્રીમ કોર્ટે તેમને કોર્ટના તિરસ્કારની નોટિસ મોકલી હતી. ભૂષણે માફી માગી તેનો કોર્ટે અસ્વીકાર કર્યો હતો. કોર્ટે આજે વીસમી ઑગષ્ટે ભૂષણને સજા કરવા માટેની આખરી સુનાવણી કરવાની જાહેરાત કર હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.