પ્રદૂષણ વધારનારા ફટાકડા પર દિલ્હીમાં બૅન, કેજરીવાલ સરકારે કરી જાહેરાત

– ભંગ કરનારને એક લાખ રૂપિયાનો દંડ થશે

પાટનગર નવી દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવાના એક પગલાં રૂપે દિલ્હી સરકારે પ્રદૂષણ વધારે એવા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદ્યો હતો. આ પ્રતિબંધનો ભંગ કરનાર પકડાશે તો એક લાખ રૂપિયાનો દંડ કરાશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

દિલ્હીની સરકાર ત્રીજી નવેંબરથી એન્ટી ક્રેકર કેમ્પેઇન શરૂ કરવાની છે. એ માટે દિલ્હી પોલીસની અગિયાર ટીમ તૈયાર કરવામાં આવશે. આ ટીમ સતત દરેક એરિયામાં ફરતી રહેશે. સાથોસાથ ગ્રીન ફટાકડાને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર ગ્રીન એપ લાવશે. ગ્રીન ફટાકડા સિવાયના ફટાકડા ફોડનારાને એક લાખ રૂપિયાનો દંડ કરવાની જાહેરાત કરાઇ હતી.

એક તરફ ઉત્તર ભારત અને પંજાબ-હરિયાણામાં ઊભો પાક લણવાની સીઝન શરૂ થઇ જવાથી પરાળ બાળવાની ઘટનાઓ સતત વધી રહી હોવાથી દિલ્હીમાં શ્વાસ ન લઇ શકાય એટલી હદે પ્રદૂષણ ફેલાયું હતું. એવામાં દિવાળીના પર્વ નિમિત્તે ફટાકડા પ્રદૂષણ વધારી દેશે એવી નિષ્ણાતોની ચેતવણી પછી રાજ્ય સરકારે કડક થવાનો નિર્ણય કર્યો હતો અને આ જાહેરાત કરી હતી.

સમર્થનવિહોણા અહેવાલ મુજબ પ્રદૂષણ વધારનારા ફટાકડા ફોડનારને એક કરોડ રૂપિયાનો દંડ કરવાની દરખાસ્ત હતી.

દિલ્હીના પર્યાવરણ પ્રદાન ગોપાલ રાયે આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે 2018માં આપેલા ચુકાદાને યાદ કરાવ્યો હતો અને કહ્યું હતું કે અમે લોકોને હાકલ કરીએ છીએ કે ગ્રીન ફટાકડા બનાવો અને વાપરો. પ્રદૂષણ વધે એવા ફટાકડા વાપરશો નહીં. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે દિલ્હી પોલીસની 11 ટુકડીઓ દિલ્હીના દરેક વિસ્તારમાં ફરતી રહેશે અને નિયમનો ભંગ કરનારને પકડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.