રક્ષક જ બન્યો ભક્ષક: નશો કરી જાહેરમાં ડિંડક કરતા એસઆરપીનો પીએસઆઈની ધરપકડ
News Detail
સમગ્ર શહેરમાં દારૂબંધીની અમલવારી કરાવવાની કામગીરી જયાંથી થાય છે તે પોલીસ કમિશ્રર કચેરીના ગેઈટ પર તહેનાત એસઆરપીનો પીએસઆઈ વીજેન્દ્રસિંહ કિશનસિંહ ચૌહાણ નશાખોર હાલતમાં મળી આવતાં ઉપરી અધિકારીઓને નીચું જોવા જેવી સ્થિતી સર્જાઈ છે. એટલું જ નહીં શહેરમાં નશાબંધીની કેટલી અને કઈ રીતે અમલવારી થાય છે તેની પણ વધુ એક વખત પોલ ખુલી ગઈ છે. પીર્એસઆઈ ચૌહાણ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ અગાઉ પોલીસ કમિશ્નર કચેરી બહાર પાર્ક કારમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ કમિશ્નર કચેરીમાં તહેનાત વોર્ડન જ અંગ્રેજી દારૂનો વેપલો કરતો હતો તેને પોલીસનો કોઈ ડર ન હોવાથી પોલીસ કમિશ્નર કચેરીની સામે પાર્ક કારમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખ્યો હતો. જોકે પોલીસ કમિશ્નરની નજરે તેની કાર ચડી જતાં ભાંડો ફૂટયો હતો. પોલીસ કમિશ્નર કચેરીના ગેઈટ પર અરજદારોના નામ સહિતની વિગતો નોંધવા માટે પીએસઆઈ વીજેન્દ્રસિંહ ચૌહાણને તહેનાત કરાયેલા છે. આજે સવારે તે નશામાં ધૂત હાલતમાં ફરજ પર આવ્યા હતા. એટલું જ નહીં અરજદારો સાથે ગેરવર્તન શરૂ કર્યું હતું. આ ઉપરાંત લથડિયા ખાતા હોવાથી નશામાં ચૂર હોવાની શંકા ગઈ હતી.સોશિયલ મીડિયાના આ જમાનામાં પીએસઆઈ ચૌહાણનો નશામાં ધૂત હોવાનો વિડિયો પણ વાયરલ થયો હતો. જેના પગલે પોલીસ કમિશ્રર કચેરીમાં હોબાળો મચી ગયો હતો. તત્કાળ આબરૂ બચાવવા એક કોન્સ્ટેબલ પીએસઆઈ ચૌહાણને બાઈક પર બેસાડી પોલીસ કમિશ્રર કચેરીમાંથી રવાના થઈ. ગયો હતો. થોડીવાર બાદ પ્ર.નગર પોલીસે પીએસઆઈ ચૌહાણને શોધી કાઢી તેનું મેડિકલ કરાવ્યું હતું. જેમાં ધારણા મુજબ નશો કર્યાનું સ્પષ્ટ થતા તેના વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. તે કયાંથી દારૂ લઈ આવ્યા હતા તે અંગે હાલ તપાસ ચાલુ હોવાનું પોલીસ કહી રહી છે. જોકે આ મુદ્દે તપાસ થશે કે કેમ તે બાબતે શંકા છે. ઘંટેશ્વર એસઆરપી ગ્રુપ-13માં ફરજ બજાવતા પીએસઆઈ ચૌહાણ નશાની ટેવવાળા હોવાની માહિતી પણ પોલીસને મળી છે. આમ છતાં તેને કયા કારણથી પોલીસ કમિશ્નર કચેરીના ગેઈટ પર ડયુટી સોંપાઈ તે બાબતે પણ અનેક સવાલો ઉઠયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.