ડ્રગ્સ મામલે પંજાબ સરકારે દિગ્ગજ અકાલી નેતા વિરુદ્ધ FIR દાખલ કરી જાણો વિગત

પંજાબ ડ્રગ્સ કેસમાં કાર્યવાહી કરતા કોંગ્રેસ સરકારે મધરાતે અકાલી દળના દિગ્ગજ નેતા બિક્રમ સિંહ મજિઠિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ મોહાલીમાં બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (BOI) ના પોલીસ મથકમાં દાખલ કરાયો છે. મજિઠિયા વિરુદ્ધ ડ્રગ્સ કેસને લઈને સતત આરોપ લાગી રહ્યા હતા. મજિઠિયા વિરુદ્ધ કેસ દાખલ થયા બાદ પ્રદેશના રાજકારણમાં નવો ગરમાવો જોવા મળી રહ્યો છે. જેની ગૂંજ દૂર દૂર સુધી સંભળાઈ રહી છે. પંજાબમાં વિધાનસભા ચૂંટણી અગાઉ તેને ચન્ની સરકારની એક મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે.

સિદ્ધુ સતત આક્રમક બની રહ્યા હતા
અત્રે જણાવવાનું કે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ દાવો કરતા હતા કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ના રિપોર્ટમાં મજિઠિયાનું નામ છે. સિદ્ધુ સતત મજિઠિયા પર કાર્યવાહીની વાત કરતા હતા. આ કારણે ચાર દિવસ પહેલા જ ઈકબાલપ્રીતસહોતાને હટાવીને પંજાબ સરકારે સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને કાર્યકારી ડીજીપી નિયુક્ત કર્યા હતા.

હાઈકોર્ટે કહ્યું હતું- અમારી રોક નથી તો કાર્યવાહી કેમ કરી નહિ?

આ મામલે હાઈકોર્ટમાં દાખલ સીલબંધ STF રિપોર્ટ અંગે ખુબ રાજકારણ ખેલાયું. ખાસ કરીને કોંગ્રેસની અંદર જ આ મામલાને લઈને સિદ્ધુ અને ચન્ની સરકારમાં જંગ ચાલી રહી હતી. ત્યારબાદ સિદ્ધુના દબાણમાં એડવોકેટ જનરલ બદલાયા. એપીએસ દેયોલને હટાવ્યા બાદ ડીએસ પટવાલિયાને એજી બનાવવામાં આવ્યા.

હાઈકોર્ટે પણ STF ના રિપોર્ટને ખોલવા પર કોઈ રોક લગાવી નહતી. આમ છતાં કાર્યવાહીમાં થતા વિલંબને લઈ હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે હજુ સુધી તેના પર કાર્યવાહી કેમ થઈ નથી. હાઈકોર્ટની ફટકાર બાદ આ મામલે પંજાબ સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે.

ઓફિસર રજા પર ગયા તો થયો વિવાદ
પંજાબમાં થોડા દિવસ પહેલા બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ઓફિસરો સતત રજાઓ પર જવાના મુદ્દે સવાલ ઉઠ્યા. હાલમાં જ આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ADGP એસ કે અસ્થાના અચાનક મેડિકલ લીવ પર જતા રહ્યા. જેને લઈને બબાલ થઈ તો તેઓ હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા. ત્યારબાદ તેમના ડીજીપીને લખેલા પત્રના કેટલાક અંશ પણ લીક થયા. જેમાં તેમણે કહ્યું હતું કે મજિઠિયા પર આ પ્રકારે કાર્યવાહી ન કરી શકાય.

અકાલી દળના નેતા વિરસા સિંહ વલ્ટોહાએ કહ્યું કે મજિઠિયાને જાણીને જોઈને ફસાવવામાં આવી રહ્યા છે. ચન્ની સરકાર પાસે કોઈ મુદ્દો નથી આથી આ નવો વિવાદ ઊભો કરાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના 4 ADGP એ તેની ના પાડી દીધી હતી. ત્યારબાદ ચન્ની સરકારે ડીજીપી બદલ્યા અને હવે આ કાર્યવાહી કરાઈ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.