પંજાબમાં ઝેરી દારૂ પીવાના કારણે 21 લોકોના મોત, તપાસ માટે SITની રચના

રાજ્યમાં ચાલતા કોઈ પણ પ્રકારનો દારૂ ગાળવાના એકમો પર આકરા પગલા લેવા સર્ચ ઓપરેશન શરૂ કરાયુ

પંજાબના અમૃતસર, બટાલા અને તરનતારન ખાતે ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. આ કેસમાં પોલીસે ઝેરી દારૂ બનાવનારા કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે. આ સાથે જ થાણા તરસિક્કના એસએચઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે જે સમગ્ર કેસની તપાસ કરશે.

ડીજીપી દિનકર ગુપ્તાએ આ સમગ્ર કેસની જાણકારી આપતા જણાવ્યું કે, 29મી જૂનની રાતે અમૃતસર ગ્રામીણના થાણા તરસિક્કમાં મુચ્છલ અને તંગ્રા ખાતે પ્રથમ પાંચ લોકોના મોત થયા હતા. ત્યાર બાદ 30 જુલાઈની રાતે મુચ્છલમાં વધુ બે લોકો શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ત્યાર બાદ મુચ્છલ ગામમાં વધુ બે લોકોના મોત થયા હતા જ્યારે બટાલા શહેર ખાતે પણ બે લોકોના મોત થયા હતા. ત્યાર બાદ આજે ફરી બટાલા શહેરમાં વધુ 5 લોકોના મોત થયા છે. મતલબ બટાલા ખાતે અત્યાર સુધીમાં ઝેરી દારૂ પીવાના કારણે 7 લોકોના મોત થયા છે અને તે સિવાય તરનતારન ખાતે 4 લોકોના મોત થયા છે.

આ કેસમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપ્યો છે અને જાલંધરના ડિવિઝનલ કમિશનરને તેની તપાસ સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ ડિવિઝનલ કમિશનરને છૂટ આપી છે કે તેઓ કોઈ પોલીસ અધિકારી કે નિષ્ણાંતની આ તપાસમાં મદદ લઈ શકશે. મુખ્યમંત્રી અમરિંદરના કહેવા પ્રમાણે તપાસમાં દોષી ઠેરવાશે તેમના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

લઠ્ઠાકાંડ મામલે પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોલીસને રાજ્યમાં ચાલતા કોઈ પણ પ્રકારનો દારૂ ગાળવાના એકમો પર આકરા પગલા લેવા સર્ચ ઓપરેશન શરૂ કરવા નિર્દેશ આપ્યો છે.

આ કેસમાં પોલીસે બલવિંદર કૌરની ધરપકડ કરી છે. એસએસપી અમૃતસર ગ્રામીણ દ્વારા રચવામાં આવેલી એસઆઈટી તપાસ કરી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે આજે ચાર મૃતક વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.