પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેની સજાને દિલ્હી હાઇકોર્ટે રદ કરી : સીબીઆઇને નોટીસ

– કોલસા કૌભાંડના આરોપીની મૂક્તિ

– ટ્રાયલ કોર્ટે સોમવારે જ દિલીપ રેને ત્રણ વર્ષની જેલ અને રૂ.દસ લાખનો દંડ ફટકાર્યો હતો

વર્ષ 1999માં ઝારખંડમાં કોલસાની ફાળવણી કેસમાં ગેરરીતીઓ આચરવાના આરોપસર પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે ને ટ્રાયલ કોર્ટે ફટકારેલી ત્રણ વર્ષની સજાને દિલ્હી હાઇકોર્ટે રદ કરી હતી. આ કેસ સાથે સંકળાયેલા વકિલ અનુસાર, જસ્ટિસ સુરેશ કુમારે સીબીઆઇને નોટીસ પણ ફટકારી હતી અને રે દ્વારા  સજાને પડકારતી કરેલી  અરજીનો જવાબ માગ્યો હતો.

વેકેશનમાં આ કેસની સુનાવણી કરનાર હાઇકોર્ટે રેની અપીલ દાખલ કરી હતી અને 25 નવેમ્બરે અરજીની વધુ સુનાવણી રાખી હતી, એમ વકીલે કહ્યું હતું. સોમવારે ટ્રાયલ કોર્ટે વાજપેયી સરકારમાં  રાજ્ય કક્ષાના કેન્દ્રીય  મંત્રી રહેલા 68 વર્ષના દિલીપ રેને ત્રણ વર્ષની સજા અને રૂપિયા દસ લાખનો દંડ ફટકાર્યો હતો.

રે ઉપરાંત કોર્ટે કોલસા મંત્રાલયના બે વરિષ્ઠ અિધકારીઓ પ્રદીપ કુમાર બેનર્જી અને નિત્યામંદ ગાતમને પણ જેલની સજા ફટકારી હતી. ઉપરાંત કેસ્ટ્રોન ટેકનોલોજી લિ.ના ડાયરેકટર મહેન્દ્ર કુમારને પણ સજા આપી હતી.કોર્ટે બેનર્જી અને ગૌતમને બબ્બે લાખ જ્યારે મહેન્દ્ર કુમારને 60 લાખનો દંડ કર્યો હતો.

કોર્ટે સીટીએલ પર રૂપિયા 60 લાખ અને સીએમએલ પર રૂપિયા દસ લાખનો દંડ ફટકાર્યો હતો. કૌભાંડમાં આ બે કંપનીઓ સામે પણ કેસ થયા હતા. દોષિતોએ કોર્ટને તેમની વય અને જીવનમાં ક્યારે કોઇ ગુનો ના કર્યો હોઇ થોડી દયા દાખવવા વિનંતી  કરી હતી.

સીબીઆઇના સરકારી વકીલ વી.કે.શર્માએ ટ્રાયલ કોર્ટમાં જો કે આરોપીઓ માટે સખત કેદની માગ કરી હતી. ટ્રાયલ કોર્ટે ગુનાઇત કાવતરા,સરકારી નોકર દ્વારા વિશ્વાસ ભંગ અને આઇપીસીની કલમ 420 હેઠળ છેતરપીંડી  માટે રેને દોષિત ઠેરવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.