રાહુલ ગાંધીએ સરકારને કહ્યું- પ્રેમથી કહી રહ્યો છું, પેકેજ અંગે પુનર્વિચારણા કરો

સરકાર વિપક્ષની વાત સરખી રીતે સાંભળશે તો તેમની વાત માની લેશે

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આજે સ્થાનિક મીડિયા સાથે વાત કરી હતી જેનું યુટ્યુબ ચેનલ પર સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. તેમણે કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈ સવાલો કર્યા હતા.

તેમણે જણાવ્યું કે, હાલ લોકોના હાથમાં પૈસા હોવા જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અસ્થાયીરૂપથી પણ NYAY યોજનાઓ લાગુ કરવા વિનંતી કરી હતી. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે લોકોના ખાતામાં ડાયરેક્ટ પૈસા મોકલવા જોઈએ તથા ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર, મનરેગાના 200 કાર્ય દિવસ, ખેડૂતોને પૈસા વગેરે હિંદુસ્તાનનું ભવિષ્ય છે માટે મોદીજી તે અંગે વિચારે.

રાહુલ ગાંધીએ આપ્યું માતાનું ઉદાહરણ

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જેમ બાળકને ઈજા પહોંચે તો મા તેમને બોજ નથી આપતી પરંતુ રાહત માટે તરત મદદ કરે છે. તેવી રીતે દેવાનું પેકેજ ન હોવું જોઈએ પરંતુ ખેડૂતો, મજૂરોના ખિસ્સામાં તરત પૈસા જાય તે આવશ્યક છે. જો માંગને ફરીથી શરૂ કરવા પૈસા આપવામાં નહીં આવે તો ભારે મોટું આર્થિક નુકસાન થશે. માટે પ્રેમથી કહી રહ્યો છું કે સરકાર આ પેકેજ અંગે ફેરવિચારણા કરે.

એન્જિન શરૂ કરવા ઈંધણની જરૂર

કોંગ્રેસી નેતાએ જણાવ્યું કે, હાલ ડિમાન્ડ-સપ્લાય શરૂ કરવો તે સૌથી મોટી જરૂરિયાત છે. જ્યાં સુધી કાર્બોરેટરમાં તેલ ન નાખીએ ત્યાં સુધી ગાડી ચાલુ નહીં થાય તેમ મને ડર છે કે જ્યારે એન્જિન ચાલુ થશે ત્યારે ઈંધણ વગર ગાડી નહીં ચાલે. તેમણે કેરળમાં કોરોના વાયરસ પર કંટ્રોલ આવ્યો તેની પ્રશંસા કરીને તેને મોડલ રાજ્ય ગણાવી અન્ય રાજ્યને તેમાંથી શીખવાની સલાહ આપી હતી.

ભાજપની જવાબદારી બને છે

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ સમય કોઈની ભૂલ દેખાડવાનો નથી પરંતુ આજે હિંદુસ્તાન ભારે મુશ્કેલીમાં છે અને આપણે તેને બહાર લાવવાનું છે. રસ્તાઓ પર ચાલી રહેલા લોકોની મદદ કરવાની છે. ભાજપ સત્તામાં છે અને તેના હાથમાં વધુ પાવર છે માટે આ તેની જવાબદારીમાં આવે છે. કોંગ્રેસશાસીત રાજ્યોમાં મજૂરોને પૂરો સપોર્ટ મળી રહ્યો છે અને મનરેગા અંતર્ગત રોજગારી ડબલ કરવા પ્રયત્નો ચાલુ છે.

સરકાર પર દબાણ લાવવા પ્રયત્ન

રાહુલ ગાંધીએ પોતે સરકાર પર દબાણ લાવવા વાત કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે જો સરકાર વિપક્ષની વાત સરખી રીતે સાંભળશે તો તેમની વાત માની લેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.