રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષપદેથી હાંકી કાઢવામાં આવ્યા બાદ આજે ગુરૂવારે પહેલીવાર સચિન પાઇલટ રાજસ્થાન કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા અને સદ્ગત વડા પ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પણ આવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમનું આગમન રદ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટિએ એવી જાહેરાત કરી હતી કે આજે સવારે સાડા દસ વાગ્યે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત કોંગ્રેસ કાર્યાલય પર આવીને સ્વર્ગીય વડા પ્રધાન રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે. પરંતુ અશોક ગેહલોત દેખાયા નહીં. એને બદલે સચિન પાઇલટ કોંગ્રેસ મુખ્યાલય પર પહોંચ્યા હતા અને તેમણે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટ આવતાંની સાથેજ મુખ્ય પ્રધાનના આગમન માટે જે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો એ ખસેડી લેવામાં આવ્યો હતો.
સચિન પાઇલટે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ કહ્યું હતું કે રાજીવ ગાંધી 400 બેઠકો સાથે સંસદીય ચૂંટણીમાં વિજેતા નીવડ્યા હતા છતાં માત્ર બે બેઠક ધરાવતા ભાજપને પણ પૂરતું સન્માન આપતા હતા. એવા વડા પ્રધાન મળવા મુશ્કેલ છે. આજે ભાજપ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે. ભાજપે રાજીવ ગાંધીની ઉદારતાને યાદ કરવાની જરૂર છે. આજે દેશમાં જે ટેક્નિકલ ક્રાન્તિ દેખાય છે એનો યશ રાજીવ ગાંધીને ઘટે છે.
દરમિયાન, રાજસ્થાન કોંગ્રેસમાં સંતુલન સાધવાની જવાબદારી અજય માકનને આપવામાં આવી હતી. માકન કેટલા સફળ થયા એ આવનારો સમય કહેશે.
અત્યારે તો રાજસ્થાનમાં અશોક ગેહલોતનુ્ં શાસન છે. પરંતુ હવે એ પણ સચિન પાઇલટના જૂથથી ચેતીને ચાલશે. એ સમજી ગયા છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સચિન પાઇલટને પીઠબળ આપે છે. વધુ ખેંચતાણ કરવા જતાં પોતે ગાદી ગુમાવવી પડશે એ હકીકત ગેહલોત સમજે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.