રાજકીય સન્માન સાથે કરાશે પાયલટ સાઠેના અંતિમ સંસ્કાર’- મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

સાઠે ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર રહી ચુક્યા છે અને દળની ઉડાન પરીક્ષણ સંસ્થામાં પણ સેવા આપી હતી

 

મહારાષ્ટ્ર સરકારે કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એર ઈન્ડિયાના પાયલોટ નિવૃત્ત વિંગ કમાન્ડર કેપ્ટન ડી વી સાઠેના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી મંગળવારે સવારે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, તેમનું જીવન યુવાન પાયલોટ્સને ‘સ્વોર્ડ ઓફ ઓનર’ મેળવવા પ્રેરિત કરશે. મુંબઈના ચાંદીવલી ખાતે રહેતા કેપ્ટન સાઠે (58)ના આજે બપોરે મુંબઈ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વિમાન દુર્ઘટના બાદ તેમના પત્ની સુષમા અને તેમનો એક દીકરો પાર્થિવ શરીર લેવા માટે કેરળ ગયા હતા અને રવિવારે એક વિમાન દ્વારા નશ્વર દેહને મુંબઈ લાવવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને ભાભા હોસ્પિટલ લાવતા પહેલા છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ટર્મિનલ 2ના એર ઈન્ડિયા કેન્દ્ર પર રાખવામાં આવ્યો હતો.

AIFની શાન હતા સાઠે

ઉલ્લેખનીય છે કે કેરળના કોઝિકોડ ખાતે થયેલી વિમાની દુર્ઘટનામાં મૃતકઆંક 18એ પહોંચ્યો છે. ચાલક દળના 6 સદસ્યો સહિત 190 લોકો સાથે દુબઈથી આવી રહેલું એર ઈન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન શુક્રવારે રાતે ભારે વરસાદ વચ્ચે કોઝિકોડ એરપોર્ટ પર ઉતરાણ દરમિયાન લપસી જતા 35 ફૂટ ઉંડી ખીણમાં ધસી ગયું હતું અને બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં બંને પાયલોટ સહિત 18 લોકોના મોત થયા છે. સાઠે ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર રહી ચુક્યા છે અને દળની ઉડાન પરીક્ષણ સંસ્થામાં સેવા આપી ચુક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.