રાજકીય અટકળો અને ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકાર આજે, લોકસભામાં રજૂ કરશે વકફ બિલ..

Waqf Amendment Bill : રાજકીય અટકળો અને ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકાર આજે એટલે કે ગુરુવાર, 8 ઓગસ્ટે સંસદમાં વકફ બિલ લાવી શકે છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે, વકફ એક્ટમાં સુધારો કરતા પહેલા સરકારે વિવિધ મુસ્લિમ બૌદ્ધિકો અને વક્ફ બોર્ડના સભ્યોની સલાહ લીધી છે.

સૂત્રો મુજબ કેન્દ્ર સરકાર સૌથી પહેલા વક્ફ બિલને લોકસભામાં રજૂ કરશે. તેના પર ચર્ચા બાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જોકે વિપક્ષ આ બિલને પહેલા સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવાની માંગ કરી રહ્યો છે. જો વકફ બિલ સ્થાયી સમિતિમાં મોકલવામાં આવે તો આ સત્રમાં બિલ પસાર થવાની શક્યતાઓ ખતમ થઈ જશે. વકફ એક્ટમાં છેલ્લે 2010માં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા દ્વારા વકફ બોર્ડના અધ્યક્ષને દૂર કરવાની પ્રક્રિયા સ્થાપિત કરવામાં આવી હતી.

સંસદમાં વકફ બિલ રજૂ થાય તે પહેલા સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રેમ શુક્લાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. શુક્લાએ કહ્યું છે કે, દેશમાં વકફ કાયદાના નામે લેન્ડ જેહાદ ચાલી રહી છે. તેને સમાપ્ત કરવા માટે એક બિલ લાવવામાં આવી રહ્યું છે. બિલ રજૂ થયા બાદ વકફમાં મહિલાઓની ભાગીદારી વધશે.

વકફ નિયમોમાં 40 ફેરફારો પ્રસ્તાવિત

વકફ બિલને સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલાં તેની ચર્ચાઓ અનુસાર સરકારે બિલમાં લગભગ 40 ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્તો દ્વારા વકફ એક્ટની કલમ 9 અને 14માં સુધારાની શક્યતા છે. સંસદમાંથી સુધારા બાદ વકફની રચના અને સત્તાને અસર થશે. નિયમો બદલાયા બાદ વકફની ટોચની સંસ્થામાં મહિલાઓને સામેલ કરવી ફરજિયાત બની જશે. તેમજ કોઈપણ જમીનને વકફ જમીન તરીકે જાહેર કરતા પહેલા બોર્ડે તેની ખરાઈ કરાવવી પડશે.

વક્ફ બોર્ડ મુસ્લિમોની સંસ્થા છે જે મિલકતોનું સંચાલન કરે છે. હાલમાં દેશમાં 30 વક્ફ બોર્ડ કાર્યરત છે. બિહારમાં મહત્તમ 2 વક્ફ બોર્ડ (શિયા અને સુન્ની) છે. વકફ દાનમાં મળેલી જમીન અને તેમાંથી મળેલા નાણાં મુસ્લિમોના વિકાસ પાછળ ખર્ચે છે. હાલમાં વક્ફમાં લગભગ 8.7 લાખ મિલકતો છે જેનો કુલ વિસ્તાર લગભગ 9.4 લાખ એકર છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.