રાજકોટમાં કોરોના કહેરને પગલે અંતે કાલે હોમ ગ્રાઉન્ડ ખાતે દોડી આવશે મુખ્યમંત્રી વિજય રૂપાણી

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં કોરોના કહેર પ્રતિદિન વધી રહ્યો છે. આજે સાંજ સુધીમાં નોંધાયેલા નવા 32 સહિત અત્યાર સુધીના કેસની સંખ્યા એક હજારને પાર થઈ ગઈ છે. આવામાં, લોક ડાઉન વખતથી મુખ્યમંત્રીએ ક્યારેય રાજકોટ આવીને તંત્રને દોડતું કેમ નથી કર્યું એવી ટીકાઓ છવાયેલી હતી, જેને પગલે આખરે આવતીકાલ બુધવારે રૂપાણી રાજકોટ દોડી આવનારા હોવાનું જાહેર થયું છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે મોડી સાંજે કલેકટર ઑફિસમાં સી.એમ. ઓ.માંથી આવનારા વિગતવાર કાર્યક્રમની રાહ જોવાઇ રહી છે. જાણવા મળ્યા મુજબ નાયબ મુખ્યમંત્રી કમ આરોગ્ય મંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે રાજકોટ મુલાકાતમાં જોડાવાના છે અને સવારે 10.30 વાગ્યે કલેકટર કચેરી ખાતે ટોચના આ બંને મંત્રીઓ રાજકોટ શહેર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોના સંક્રમણ આગળ વધતું રોકવા માટેની ચર્ચા તેમજ અત્યાર સુધી લેવાયેલાં પગલાંની સમીક્ષા કરશે.

મુખ્યમંત્રી 2 ઓગસ્ટે જન્મદિન નિમિત્તે રાજકોટ આવશે એ લગભગ નિશ્ચિત મનાઇ રહ્યું હતું એ પહેલા 29 જુલાઈએ પણ માત્ર બે કલાક પૂરતા તે રાજકોટ ખાસ કોરોના મામલે બેઠક કરવા આવી રહ્યાં છે. અગાઉ આ મુદ્દે સુરત સહિત અમુક સ્થળે જઈ આવેલા રૂપાણી ની કોરોના કહેર બાદ રાજકોટની આ પ્રથમ મુલાકાત હોવાથી તંત્રમાં દોડધામ મચી ગયાનું જોવા મળે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.