રાજકોટ: 3.25 કરોડની જમીનના સાટાખત હતા, છતાં PI ગઢવી અને PSI જોગરાણાએ લેન્ડ ગ્રેબિંગમાં ફિટ કરાવવાની ધમકી આપી કોરા કાગળ ઉપર સહી કરાવી લીધી..

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી સામે ધારાસભ્ય ગોવિંદ પટેલે કમિશનબાજીનો આક્ષેપ કર્યા બાદ દરરોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે.અને ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને એક પીએસઆઇ સામે બળજબરીથી જમીન ખાલી કરાવવાનો વધુ એક આક્ષેપ થતાં ક્રાઇમ બ્રાંચની નીતિરીતિ સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે.

રવુભા ધાધલ નામના યુવકે આક્ષેપ કર્યો હતો કે, નવાગામ આણંદપરમાં તેમણે રૂ.3.25 કરોડમાં રાજુ લીંબાસિયા પાસેથી જમીન ખરીદ કરી હતી અને રાજુને બેંક ખાતા મારફત રકમ આપી હતી અને જમીનના સાટાખત પણ કર્યા હતા, દસ્તાવેજ કરાવી દેવા બાબતે અનેક વખત કહેવા છતાં રાજુએ બહાના કાઢી દસ્તાવેજ કરી આપ્યા નહોતા,તેમજ એક દિવસ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જોગરાણા સ્ટાફ સાથે ધસી આવ્યા હતા અને ક્રાઇમ બ્રાંચે લઇ ગયા હતા ત્યાં પીઆઇ ગઢવી પણ હતા.

બંને અધિકારીઓએ કહ્યું હતું કે, નવાગામની જમીન ભૂલી જા, પોતાની પાસે પૂરતા પુરાવા હોવાનું કહેતા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ રવુભાને તે પુરાવા રજૂ કરવાનું કહ્યું હતું, રવુભાઇએ સાટાખત અને બેંકમાં પૈસા ભર્યાની પહોંચ રજૂ કરતાં બંને અધિકારીઓએ હવે પુરાવા પણ ભૂલી જજે અને જમીન તરફ ફરક્તો પણ નહીં, નહિતર લેન્ડ ગ્રેબિંગમાં ફિટ કરી દઇશું, ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને પીએસઆઇએ હવાલો લઇ પોતાની પાસેથી જમીન ખાલી કરાવ્યાનો યુવકે આક્ષેપ કર્યો હતો. રવુભા ધાધલે કહ્યું હતું કે ધારાસભ્ય ગોવિંદ પટેલના ક્ષેપો ભર્યા લેટર બોમ્બ બાદ તેમનામાં હિંમત આવી હતી કે આખરે હવે પોલીસની કાળી કરતુતો સામે લાવવી જોઇએ.

રાજકોટ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સામે તોડ પ્રકરણનો આક્ષેપ કરનાર સાંસદ રામભાઇ મોકરિયા અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના સમર્થનમાં રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલે ટેકો આપ્યો છે. અર્જુન પટેલે જણાવ્યું કે, જ્યારે સાંસદ, ધારાસભ્ય કક્ષાના પદાધિકારીઓ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારી અને અધિકારી વિરુદ્ધ આવા ગંભીર આક્ષેપો કરે તે લાંછનરૂપ ઘટના કહેવાય અને તાત્કાલિક આક્ષેપોની ઉચ્ચસ્તરે ખાતાકીય તપાસ કરવી જોઇએ.

તપાસ દરમિયાન આક્ષેપો સત્ય સાબિત થાય તો સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવી જોઇએ અને ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારી અને અધિકારીઓ સામે આક્ષેપ કરનાર સાંસદ રામભાઇ અને ધારાસભ્ય ગોવિંદભાઇને ગમે ત્યારે પોલીસ તોડ પ્રકરણમાં કાનૂની સહયોગની જરૂર પડશે તો પોતે તેમની સાથે રહેશે તેમ બાર પ્રમુખ પટેલે કહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.