શહેરમાં નજીવી બાબતે હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો, કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે ફ્રૂટ લેવા ગયેલા યુવકને બાઇક દૂર પાર્ક કરવાનું કહી બે આરોપીએ છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને પોલીસે એકને ઝડપી લીધો હતો જ્યારે નાસી છૂટેલા એકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
કોઠારિયા રોડ પરની શ્રમજીવી સોસાયટીમાં રહેતો પરાક્રમસિંહ ઘનુભા પઢિયાર (ઉ.વ.22) મંગળવારે રાત્રે 8.15 વાગ્યાના અરસામાં પોતાનું બાઇક લઇને રણુજા મંદિર નજીક લારીએ ફ્રૂટ લેવા ગયો હતો, લારી નજીક જઇ પરાક્રમસિંહે પોતાનું બાઇક પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ત્યાં ઊભેલા બે શખ્સે તેને દૂર બાઇક પાર્ક કરવાનું કહ્યું હતું અને જગ્યા હોવા છતાં બાઇક પાર્ક કરવાની શા માટે ના કહો છો તેમ યુવકે કહેતા બંને શખ્સ ઉશ્કેરાયા હતા અને ગાળો ભાંડવા લાગ્યા હતા.
નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીમાં બંને શખ્સ ઉશ્કેરાયા હતા અને પરાક્રમસિંહ પર છરીથી હુમલો કરી દીધો હતો, અને યુવકને છરીના બે ઘા ઝીંકી દીધા હતા. સમીસાંજે સરાજાહેર યુવકને છરીના ઘા ઝીંકાતા લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને હિચકારા હુમલાથી પરાક્રમસિંહ પઢિયાર લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો, અને લોકોએ તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ યુવકનું મોત નીપજ્યું હતું.
હત્યા કરી બંને શખ્સ નાસી ગયા હતા. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડા અને ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમ હરકતમાં આવી હતી.અને પોલીસે કિશન ટાંક નામના શખ્સને ઝડપી લીધો હતો જ્યારે તેનો સાથીદાર નાસી છૂટ્યો હોય તેના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી હતી. ફ્રૂટ લેવા ગયેલા યુવાન પુત્રની હત્યા થયાની જાણ થતાં પઢિયાર પરિવારે કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.