રાજકોટની નવજાત બાળકી માટે પીગળી ગયું સીએમ વિજય રૂપાણીનું દિલ, લીધો મોટો નિર્ણય

રાજકોટના થેબચડા ગામમાંથી મળેલી નવજાત બાળકી વિશે હાલમાં ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. આ નવજાત બાળકીનું નામ પોલીસ કમિશનરે અંબા રાખ્યું છે. આ બાળકીને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરી છે. આ બાળકી માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંવેદના દાખવી છે અને તેમણે અંબાને તબિયત જાણવા માટે તેની મુલાકાત લેવાનો નિર્ણય લીધો છે.

આ ઘટનાની વિગતો જોઈએ તો શહેરની ભાગોળે ઠેબચડા નજીકથી તરછોડાયેલી નવજાત બાળકીની હાલત બહુ નાજુક હતી. બાળકીને ઝીંકવામાં આવેલા તીક્ષ્ણ ઘામાં ઇન્ફેક્શન થયાનું તબીબી નિદાનમાં ખુલ્યું હતું. ઠેબચડા ગામની સીમમાંથી ગત બુધવારે ક્રિકેટ રમીને જઇ રહેલા યુવકોને બાળકીના રડવાનો અવાજ સંભળાતા તેમની નજર ગઇ હતી અને એક કૂતરું નવજાત બાળકીને મોંમાં લઇને જતું દેખાયું હતું. યુવકોએ પથ્થરમારો કરી કૂતરાંના મોંમાંથી બાળકીને છોડાવીને રાજકોટ સિવિલ હોસ્પિટલ કેમ્પસની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડી હતી.

બુધવારે સવારે નવજાત બાળકી મળી આવ્યા બાદ આજી ડેમ પોલીસ ચોકીમાં અજાણી મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફૂલ જેવી બાળકી પર અત્યાચાર આચરનાર આ જનેતા સામે રાજ્યભરમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશનરે ચાર ટીમની રચના કરી તપાસના આદેશ કર્યા હતા. ઘટનાને ચાર દિવસ વીતી જવા છતાં પોલીસને હજી દીકરીને તરછોડી દેનારી માતાની માહિતી નથી મળી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.