રાજકોટમાં પાક.થી આવેલાં 100 પરિવારોનો વસવાટ, કહ્યું- CAA લાવી મોદી સરકારે દુનિયાભરનાં હિન્દુઓને રાહત આપી

નાગરિકતા અધિનિયમ કાયદાનો મામલો દેશભરમાં ગરમાગરમ બની ગયો છે અને માથાકૂટો ચાલી રહી છે ત્યારે પાકિસ્તાનમાં હિન્દુ ઉપર ગુજારાતા ત્રાસ અંગે રાજકોટમાં વસવાટ કરતાં 100 પરિવારોએ સફાઈ કામદાર આયોગના અધ્યક્ષ સમક્ષ દિલ ખોલતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં લઘુમતિઓની કોઈ સલામતી નથી. ત્રાસ ગુજારાય છે અને ધાર્મિક સ્વતમંત્રતા છીનવાઈ ચૂકી છે.

પાકિસ્તાનથી આવેલાં કોમ્પ્યુટર નિષ્ણાંત કિશોર જેઠવા અને કલ્યાણ વાઘેલાએ જણાવ્યું કે, અમારા માટે હિન્દુસ્તાન સિવાય બીજો કોઈ આશ્રય ન હતો. રાજકોટ, મોરબી અને કચ્છમાં પાકિસ્તાનથી આવનારા હિન્દુ વસવાટ કરી રહ્યા છે. અમે અમારા બાળકો અને પરિવારની સલામતી માટે ભારતમાં આવ્યા છીએ અને શાંતિથી ગુજારો કરીએ છીએ.

આગળ તેમણે કહ્યું કે, નાગરિકતા કાયદો અમારા માટે આશીર્વાદ સમાન છે. મોદી સરકારે દુનિયાભરના હિન્દુઓને રાહત આપી છે. રાજકોટના રેલનગર, ગણેશનગર, મોરબી રોડ ઉપર 100 પરિવારોના 800 સભ્યો રહે છે. આ તમામ અનુસુચિત જાતિના છે તેમને આશ્રય અપાયો છે. આજે તેમની મુલાકાત રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના અધ્યક્ષ મનહર ઝાલાએ તેમજ સમાજકલ્યાણ વિભાગના એન.જે.પાણેરી, દિનેશ માવદિયા વિગેરને સાથે રાખીને લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.