– સ્વચ્છતા બાબતે માત્ર છ શહેરોને જ ફાઇવ સ્ટાર મળી શક્યા
– થ્રી સ્ટાર રેટિંગમાં અમદાવાદ, દિલ્હીનો પણ સમાવેશ, ભાવનગર, વડોદરા અને વ્યારાને પણ એક સ્ટાર મળ્યો
– ૧૪૩૫ શહેરોએ રેટિંગ માટે આવેદન કર્યું હતું જેમાં ૧૪૧ શહેરોની પસંદગી કરાઇ, ૬૫ને ફાઇવ સ્ટાર
કેન્દ્ર સરકાર દ્વારા કચરા મુક્ત શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં કચરા મુક્ત ફાઇવ સ્ટાર શહેરોમાં ગુજરાતના રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે જે અન્ય શહેરોનો સમાવેશ કરાયો છે તેમાં ઇંદોર, નવી મુંબઇનો પણ સમાવેશ થાય છે. જોકે દિલ્હીમાં કચરાનું પ્રમાણ હજુ યથાવત હોવાથી તેને ફાઇવ નહીં પણ થ્રી સ્ટારનો દરજ્જો આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ આ યાદી જાહેર કરી હતી. જેમાં ગાર્બેજ ફ્રી એટલે કચરા મુક્ત શહેરોને વિવિધ રેટિંગ આપવામાં આવ્યા હતા. જે શહેરો સંપૂર્મપણે કચરા મુક્ત હોય તેને ફાઇવ સ્ટાર આપવામાં આવ્યા છે. કુલ ૧૪૧ શહેરોનુ રેટિંગ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં માત્ર છ શહેરોને જ ફાઇવ સ્ટાર મળ્યા હતા. જ્યારે ૬૫ શહેરોને થ્રી સ્ટાર આપવામાં આવ્યા હતા. ૭૦ શહેરો એવા છે કે જેને માત્ર એક જ સ્ટાર મળ્યો હતો.
જે શહેરોને ફાઇવ સ્ટાર આપવામાં આવ્યા તેમાં રાજકોટ, ઇંદોર, સુરત, કર્ણાટકના મૈસુર, મહારાષ્ટ્રનું નવી મુંબઇ, અવંતીકાપુર અને ઇંદોરનો સમાવેશ થાય છે. ગુજરાતના જ અન્ય એક શહેર અમદાવાદને થ્રી સ્ટાર જ મળ્યા હતા. જ્યારે થ્રી સ્ટાર મેળવનારા અન્ય શહેરોમાં દિલ્હી, હરિયાણાનું કર્નાલ, આંધ્રનું ત્રિપુરા, વિજયવાડા, ચંડીગઢ, ભીલાઇ નગર, ભોપાલ, જમશેદપુરનો સમાવેશ થાય છે. જ્યારે વન સ્ટાર શહેરોમાં દિલ્હી કેન્ટોન્મેન્ટ, રોહતક, ગ્વાલીયર, મહેશ્વર, ખાંડવા, બંદવારા, ગુજરાતનંુ વડોદરા, ભાવનગર, વ્યારાનો સમાવેશ થાય છે.
એટલે આ યાદીમાં ફાઇવ સ્ટારમાં ગુજરાતના બે શહેરો રાજકોટ અને સુરત, થ્રી સ્ટારમાં અમદાવાદ અને વન સ્ટારમાં ભાવનગર, વડોદરા અને વ્યારાનો સમાવેશ થયો છે. હાઉસિંગ એન્ડ અર્બન અફેર સચિવ દુર્ગા શંકર મિશ્રાએ કહ્યું હતું કે ૧૪૩૫ શહેરોએ સ્ટાર રેટિંગ માટે આવેદન આપ્યું હતું. જેમાંથી ૧૪૧ શહેરો રેટિંગમાં સામેલ થઇ શક્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.