રાજકોટમાં સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી, 20 લાખ લીટરના પાણીના ટાંકાનો સ્લેબ તૂટ્યો, જો દુર્ઘટના થઈ હોત તો…

રાજકોટમાં રવિવારે બપોરના બાર વાગ્યાની આસપાસ કાલાવડ રોડ પર આવેલા આત્મીય કોલેજની નજીકમાં કોર્પોરેશનનો વીસ લાખ લીટર જળસંગ્રાહક શકિત ધરાવતા ૨૭ મીટર ઉંચાઈના અને ચાલીસ વર્ષ જુના પાણીના ટાંકાના ઉપરના ભાગના ઢાંકણાનો સ્લેબ અચાનક ધડાકા સાથે ટાંકામાં જ ધરાશાયી થતા આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

જો કે બનાવના કારણે કોઈને ઈજા થવાનો કે જાનહાનિ થવાનો બનાવ બનવા પામ્યો નથી. આ બનાવની જાણ થતા મ્યુ.કમિશનર અગ્રવાલ, સીટી એન્જીનીયર એમ.આર. કામલિયા ફાયર ઓફિસર ડી.જે ઠેબા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અને ફાયરબ્રિગેડના ચાર સ્ટેશનના સ્ટાફને તહેનાત કરીને અંદર ઘુસી ગયેલા મલબાને દુર કરવાની કાર્યવાહી ચાલુ કરાવી હતી.

આ ઉપરાંત આ ટાંકા મારફત વોર્ડ નંબર ૨-૭-૮-૧૦-૧૧ના એરિયામાં જળ વિતરણ થાય છે. એમાં કોઈ વિક્ષેપ ન આવે એ માટે બધા એરિયાના ડાયરેકટ ટેપીંગ કરવાની અને પાણી ટાકામાં ચડાવવાને બદલે લાઈનમાં ચડાવવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે.

સીટી એન્જીનીયર કામલિયાએ વધુમાં જણાવ્યા મુજબ આજે બપોરે બાર વાગ્યાના સુમારે આશરે ચાલીસ વર્ષ જુના અને વીસ લાખ લીટર જળસંગ્રાહક ક્ષમતા ધરાવતા પાણીના ટાંકામાં સ્લેબ તુટી પડયો હતો અને અંદર જ મલબો સમાઈ ગયો હતો.

આ બનાવ બનતા જ કમિશનરને વાકેફ કરવામાં આવ્યા હતા. તેમજ ચીફ ફાયર ઓફિસર ઠેબા, મવડી ફાયરસ્ટેશન, કાલાવડ રોડ ફાયરસ્ટેશન, રામાપીર ચોકડી ફાયરસ્ટેશનના ફાયર ઓફિસરો સહિત કુલ ૧૦૦ના સ્ટાફને તહેનાત કરી દીધો હતો. આ ટાંકાની ઉંચાઈ ૨૭ મીટરની છે. એની ઉપર જવા માટે ફાયર બ્રિગેડ પાસે ૪૫ મીટર સુધી ઉંચે જઈ શકે એવી હાઈરાઈઝ હાઈડેલિક પ્લેટફોર્મ સાથેનુ વાહન લઈ જવામાં આવ્યુ હતુ.

બનાવ બન્યા બાદ આ હાઈડ્રોલિક પ્લેટફોર્મ પર ચડીને મ્યુ.કમિશનર અગ્રવાલ, ડે કમિશનર સીંગ વગેરેએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.