રાજસ્થાનના રાજકીય ડ્રામામાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી, સચિન પાયલટ સાથે કરી ફોન પર વાત

 

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટની વચ્ચે રાજકીય રમખાણ ચાલુ છે. હવે રાજસ્થાનના રાજકીય ડ્રામામાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી થઈ ચૂકી છે. રાજસ્થાન સંકટને ઉકેલવાની જવાબદારી પ્રિયંકા વાડ્રાને મળી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ સચિન પાયલટ સાથે ફોન પર વાતચીત કરી છે.

રાહુલ ગાંધીએ અશોક ગેહલોત સાથે ફોન પર વાતચીત કરી છે. સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાન કરાવવાના પ્રયત્નમાં કોંગ્રેસ લાગેલી છે. અગાઉ જયપુરમાં સીએમ આવાસ પર કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં 101 કોંગ્રેસના ધારાસભ્ય પહોંચ્યા છે. બેઠકમાં સચિન પાયલટના 10 ધારાસભ્ય પણ સામેલ છે.

અગાઉ રાજસ્થાનમાં ગેહલોત સરકાર પર જારી સંકટનુ સમાધાન કાઢવા પહોંચેલા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે સચિન પાયલટ માટે કોંગ્રેસના દરવાજા હંમેશા ખુલ્લા છે. જો સચિન પાયલટને કોઈ ફરિયાદ છે તો પાર્ટી બેઠકમાં પોતાની વાત મૂકી શકે છે. સુરજેવાલાએ કહ્યુ કે છેલ્લા 48 કલાકમાં સચિન પાયલટ સાથે કેટલીય વાર ચર્ચા કરવામાં આવી છે.

પાયલોટ ગઇ કાલે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં સચિન પાયલટે રવિવારે પૂર્વ કોંગ્રેસી સાથી અને ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત લીધી હતી અને આશરે 40 મિનિટ સુધી તેમની બેઠક ચાલી હતી. ત્યાર બાદ સચિન પાયલટ પણ ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું.

જાણો શું છે રાજસ્થાનની નંબર ગેમ

રાજસ્થાનમાં કોંગ્રેસ અને સાથી દળો પાસે પૂર્ણ બહુમત છે અને ભાજપ ઘણું દૂર છે. જો કેટલાક ધારાસભ્યો પક્ષપલટો કરી લે તો પણ રાજસ્થાન સરકાર પર કોઈ મોટું સંક્ટ નથી જણાઈ રહ્યું.

રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠક છે જેમાંથી કોંગ્રેસ પાસે 107 ધારાસભ્યો છે અને તે સિવાય તેને કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળેલું છે. આ તરફ ભાજપ પાસે માત્ર 72 ધારાસભ્યો છે. જો સચિન પાયલટે કરેલા દાવા પ્રમાણે 30 ધારાસભ્ય પક્ષપલટો કરે તો અશોક ગેહલોત સરકાર સંકટમાં મુકાઈ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.