રાજસ્થાન ટેપ કાંડઃ બાગી ધારાસભ્ય ભંવરલાલે HCમાં દાખલ કરાવી ત્રણ અરજીઓ

ધારાસભ્યો ના ખરીદ વેચાણની ફરિયાદ મામલે રાજસ્થાન એસઓજી અને એસીબીએ કેસ નોંધેલા

રાજસ્થાનની રાજકીય યુદ્ધ હાલ કોર્ટમાં લડાઈ રહ્યું છે. સચિન પાયલટ જૂથના વધુ એક ધારાસભ્યે રાજસ્થાન હાઈકોર્ટમાં ત્રણ અરજીઓ નોંધાવી છે. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ધારાસભ્ય ભંવરલાલ શર્માએ આજે હાઈકોર્ટમાં એસઓજી દ્વારા જે એફઆઈઆર નોંધાવવામાં આવી છે તેને રદ કરવાની માંગને લઈ અરજી કરી છે.

બાગી ધારાસભ્ય ભંવરલાલ શર્મા તરફથી જે અરજી દાખલ કરવામાં આવી છે તેમાં એસઓજીમાં નોંધાયેલી બે એફઆઈઆર અને એસીબીની એફઆઈઆરને રદ કરાવવા સાથે એસઓજીમાં નોંધાયેલી એફઆઈઆર મામલે એનઆઈએ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. વકીલ એસએસ હોરાએ આ અરજીઓને દાખલ કરી છે.

જાણવા મળ્યા મુજબ બાગી ધારાસભ્ય ભંવરલાલ શર્માની બે અરજીઓ પર 4 ઓગષ્ટના રોજ સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોના ખરીદ-વેચાણને લગતા બે ઓડિયો સામે આવ્યા હતા. કોંગ્રેસે કરેલા દાવા પ્રમાણે ધારાસભ્ય ભંવરલાલ શર્મા, ભાજપના નેતાઓ સાથે ધારાસભ્યોની ડીલ કરી રહ્યા હતા. આ કેસની તપાસ એસઓજી અને એસીબીને સોંપવામાં આવી છે.

17 જુલાઈના રોજ કોંગ્રેસે સચિન પાયલટ જૂથના બે ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને વિશ્વેન્દ્ર સિંહને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી સસ્પેન્ડ કર્યા હતા. ધારાસભ્ય ભંવરલાલ શર્મા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને જયપુર નિવાસી સંજય જૈન વચ્ચે થયેલી કથિત વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો ત્યાર બાદ તરત જ કોંગ્રેસે આ પગલું ભર્યું હતું.

ધારાસભ્યોના ખરીદ વેચાણની ફરિયાદ મામલે રાજસ્થાન એસઓજી અને એસીબીએ કેસ નોંધ્યા છે. ઓડિયોમાં બાગી ધારાસભ્ય ભંવરલાલ શર્માનો અવાજ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં તેમનો વોઈસ સેમ્પલ લેવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે માટે એસઓજી માનેસર ખાતેના રિસોર્ટ પહોંચી હતી પરંતુ ભંવરલાલ શર્મા ત્યાં નહોતા મળ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.