રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1020 કેસ, 819 દર્દીઓ થયાં સ્વસ્થ

રાજ્યમાં જેમ-જેમ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તેમ-તેમ કોરોનાનો પ્રસાર પણ વધી રહ્યો છે. રાજ્યમાં વચ્ચે થોડા દિવસ કોરોનાની રફ્તાવ ઘટી હતી. દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યા 1 હજારની નીચે રહેતી હતી પરંતુ તે બાદ હવે રાજ્યમાં કોરોના માથું ઉંચકતું હોય તેમ ધીમે-ધીમે કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1020 નવા કેસ નોંધાયા છે. જેની સામે 819 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 07 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,763 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,64,596 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,191 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 64,68,154 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,01,487 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,01,397 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 90 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 1020 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 160 અને જિલ્લામાં 34 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 165 અને જિલ્લામાં 20 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 89 અને જિલ્લામાં 38 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 82 અને જિલ્લામાં 31 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 12,340 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,64,596 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3763 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 91.09% છે.

ઉત્તર ગુજરાતમાં સંક્રમણ ઘેરું બન્યું

ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધુને વધુ ઘેરૃ બની રહ્યું છે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આજે ૪૪ પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. મહેસાણા જિલ્લામાં આજે સૌથી વધુ 23 કેસ, પાટણ શહેર સહિત જિલ્લામાં 9 કેસ, બનાસકાંઠામાં આજે વધુ 12 પોઝિટીવ કેસ સામે આવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં વધી રહેલા સંક્રમણને જોતા આરોગ્ય તંત્ર સહિત જિલ્લા વહિવટી તંત્ર દોડતું થયું છે. અને આજે કોરોનામાં સપડાયેલા દર્દીઓને સારવાર સહિતની તજવીજ હાથ ધરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.