ગુજરાત સરકારે રાજ્યમાં આત્મહત્યાના કેસોમાં નિયંત્રણ લાવવા માટે બેટમિંગ્ટન ખેલાડી પીવી સિંધુ ને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે ત્યારે આશા રાખીએ કે લોકોને આત્મહત્યા કરતાં રોકી શકીએ. સરકારે આત્મહત્યા કરવાનો વિચાર કરતી વ્યક્તિ માટે 104 નંબરની સુવિધા શરૂ કરી છે. કોઇને પણ આત્મહત્યાનો વિચાર આવે અને આ સુવિધાનો લાભ લેવા માગે તો તેને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.
વિવિધ કારણોસર આત્મહત્યા કરવાના બનાવોમાં ગુજરાતનો ક્રમ દેશમાં ઉપર જઇ રહ્યો છે. હાલ દેશના રાજ્યો પૈકી ગુજરાતનો ક્રમ 15મો આવે છે જે પહેલાં 17 અને 20મો હતો. આર્થિક ગુનાઓની જંજાળમાં લોકો નાની નાની બાબતોમાં આત્મહત્યા કરી લેતાં હોય છે. છેલ્લા બે વર્ષના આંકડા જોઇએ તો રાજકોટ એવું શહેર છે કે જ્યાં સૌથી વધુ આત્મહત્યાના કેસો સામે આવ્યા છે.
રાજ્યના ગૃહ વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં પ્રત્યેક દિવસે સરેરાશ 55 લોકો આત્મહત્યા કે અપમૃત્યુથી મોતને ભેટે છે. રાજ્યના પાંચ શહેરોના આંકડા જોઇએ તો 4332 આત્મહત્યા એકલા અમદાવાદમાં થઇ છે. વડોદરામાં 1554 લોકો મોતના મુખમાં ગયા છે. હીરાઘસુઓ અને કાપડનું માન્ચેસ્ટર જેવા સુરતમાં 4047 લોકોએ તેમના જીવન ટૂંકાવ્યા છે. રાજકોટમાં સૌથી વધુ 5140 લોકોએ ગળે ટૂંપો દીધો છે, નદીમાં પડ્યાં છે અથવા તો ઝેર પીધું છે. જામનગરમાં 1769 લોકો મોતને ભેટ્યાં છે.
છેલ્લા બે વર્ષના આંકડા જોઇએ તો ગુજરાતમાં આત્મહત્યાના 40,000થી વધુ કિસ્સા પોલીસના નોંધાયા છે. આ આંકડો ખૂબજ ગંભીર છે. આત્મહત્યાના કેસોની તપાસ કેવી રીતે થાય છે તે ચર્ચાનો વિષય છે પરંતુ પોલીસે આત્મહત્યાના 33324 કિસ્સામાં તપાસ પૂર્ણ કરી છે જ્યારે 7082 કિસ્સામાં તપાસ ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આત્મહત્યાના કારણોમાં સૌથી વધુ આર્થિક સંકટ અને મહિલા સામેના અત્યાચાર છે. ત્યારપછી વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસો જોવા મળે છે. ગુજરાતમાં પાક ફેઇલ જવાથી કે દેવું થઇ જવાથી ખેડૂતો અને ખેતમજૂરો પણ આત્મહત્યા કરે છે. સામાજીક અને માનસિક કારણોસર પણ આત્મહત્યાના કિસ્સા જોવા મળે છે. હવે તો આર્થિક ગુનાઓમાં આત્મહત્યાના કિસ્સા વધુ જોવા મળે છે.
રાજ્યમાં ખેડૂતો કરતાં ખેતમજૂરો આત્મહત્યા વધારે કરે છે. છેલ્લા ચાર વર્ષના આંકડા જોઇએ તો વિવિધ જિલ્લાઓમાં 1185 ખેત મજૂરોએ અને 160થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેડૂતોની આત્મહત્યાના કેસો સરકાર છુપાવી રહી છે, કેમ કે આત્મહત્યાને બીજા કોઇ કારણમાં ખપાવી દેવામાં આવે છે.
ડબલ્યુટીઓના રિપોર્ટ પ્રમાણે વિશ્વના દેશોમાં હાલના છેલ્લા આંકડા પ્રમાણે વર્ષે 10 લાખ લોકો આત્મહત્યા કરે છે. આ આત્મહત્યાના પ્રમાણમાં 15 થી 29 વર્ષની વય ધરાવતી વ્યક્તિ વધુ જોવા મળે છે. 79 ટકા કેસો લોઅર મિડલ ઇન્કમ ધરાવતી કંન્ટ્રીમાં જોવા મળે છે. પરીક્ષામાં નાપાસ થતાં કુલ આત્મહત્યાના કિસ્સાઓમાં 25 ટકા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય છે.
એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે 2007 થી 2016ના વર્ષો દરમ્યાન ભારતમાં 75000 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. 2016માં સૌથી વધુ 1350 વિદ્યાર્થીઓએ મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરી છે જ્યારે પશ્ચિમ બંગાળમાં આ આંકડો 1147 અને તામિલનાડુમાં 981 છે.
2019ના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં કુલ 220481 લોકોએ આત્મહત્યા કરી છે. છેલ્લા વર્ષોમાં આ આંકડો ખૂબ મોટો અને ચોંકાવનારો છે. ભારતમાં 2015માં આત્મહત્યાના 133623 કુલ કેસો નોંધાયા હતા જે 2014માં 131666 જોવા મળ્યા હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના 2015ના રિપોર્ટ પ્રમાણે આત્મહત્યાના કેસોમાં ગુજરાતનો ક્રમ સમગ્ર દેશમાં 15મા સ્થાને છે. એટલે કે પ્રતિ એક લાખ વ્યક્તિએ 11.6 વ્યક્તિ ગુજરાતમાં આત્મહત્યા કરે છે. સિક્કીમ નંબર વનના સ્થાને છે જ્યાં એક લાખની વસતીએ 37.5 લોકો આત્મહત્યા કરે છે.
આંકડાની આ માયાઝાળ તો નાની અમથી છે પરંતુ ભારતમાં આત્મહત્યાના ઘણાં એવા કેસો બન્યા છે જેને અપમૃત્યુના બીજા કારણોમાં ખપાવી દેવામાં આવ્યા છે. સરકારી વિભાગોની વિલંબ નીતિના કારણે ઘણાં અરજદારો આત્મહત્યા કરતા હોય છે. લોનનું દેવું વધી જતાં અને પઠાણી ઉઘરાણી થતાં વ્યક્તિ જ નહીં આખો પરિવાર આત્મહત્યા કરે છે.
ગયા વર્ષે ગુજરાતમાં એક જ પરિવારના 14 લોકોએ આત્મહત્યા કરી હોવાનો ચકચારી કિસ્સો જોવા મળ્યો હતો. ગુજરાત સરકારે 104 હેલ્પલાઇન સર્વિસ શરૂ કરી છે ત્યારે તેને વધુને વધુ સફળતા મળે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઘણાં આશાવાદી છે. આત્મહત્યાની તપાસ કરતાં પોલીસને એવી સૂચના આપવી જોઇએ કે જે વ્યક્તિએ આત્મહત્યા કરી છે અને જેને દોષિત માન્યા છે તેમની સામે પણ કડક પગલાં લેવાવા જોઇએ કે જેથી બીજા વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવતા અટલી શકે અને રોજ-બરોજ ના વઘતા આત્મહત્યા ની ઘટનાઓ ને નિયત્રણ માં લાવી શકાય
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.