રાજ્યમાં બની રહ્યું છે સાઇક્લોનિક સર્ક્યુલેશન, 40 કિમીની ઝડપે પવન સાથે થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી..

હવામાન વિભાગે ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. આ દિવસો દરમિયાન દરિયા કિનારાના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ચાલો જાણીએ કયા જિલ્લાઓ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં આ વર્ષે વરસાદની મહેર વધારે થતી જણાઈ રહી છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં 2 ટકા વધુ વરસાદ થયો છે અને હવે ફરી એકવાર ભારે વરસાદ શરૂ થવાનો છે. હવામાન વિભાગે (IMD) ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. તેનું કારણ સાયક્લોનિક સરક્યુલેશન છે, જેના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. માછીમારોને પણ દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.

40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જણાવી દઈએ કે ગુજરાતમાં આ સિઝનમાં 73.75 ટકા વરસાદ નોંધાયો છે. જે સિઝનના સરેરાશ વરસાદ કરતાં 2 ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 88.97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 88.38 ટકા, સૌરાષ્ટ્રમાં 81.40 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 57.90 ટકા અને ઉત્તર ગુજરાતમાં 54.78 ટકા વરસાદ નોંધાયો છે.

આ જિલ્લાઓમાં 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ

આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે 22 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જયારે 23 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

આખું અઠવાડિયું વરસાદની સંભાવના

24 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓગસ્ટે ગુજરાતના દાહોદ, મહિસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં 26 અને 27 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.