રાજયભરના શિક્ષકોએ વિજય રૂપાણીને લીધા બાનમાં, કહ્યું – તમે તીડ ઉડાડો, અમે દિલ્હીમાં ઉતરીશું

જૂની પેન્શન સ્કીમ ફરીથી શરૂ કરવા, ઉચ્ચતર પગાર ધોરણ રૂ.૪,૨૦૦ ગ્રેડ-પે ચાલુ રાખવાની મુખ્ય માગણીઓ સાથે રાજ્યભરના શિક્ષકો ગાંધીનગરમાં ઊમટયા હતા. સત્યાગ્રહ છાવણીમાં સોમવારે દિવસભરના અધિવેશનને અંતે જ્યાં સુધી પડતર પ્રશ્નો- માગણીઓ નહીં ઉકેલાય ત્યાં સુધી ગુજરાતમાં પોણા બે લાખ શિક્ષકોને બિનશૈક્ષણિક સરકારી કામો અને કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનું એલાન અપાયું હતું.

ગુજરાતમાં ભાજપની સરકાર ક્યારેક શૌચાલય, તો ક્યારે ખુલ્લામાં શૌચ કરતા નાગરિકોના ફોટા પાડવા, વગડામાં તગારા કૂટી તીડ ઉડાડવા અને હવે તો બીજાના લગ્નોમાં ખોરાકનો બગાડ અટકાવવા જેવા કામોમાં શિક્ષકોને ફરજ પાડી રહી છે. શિક્ષણ એ નોબેલ વ્યવસાય છે, તેનું સ્તર નીચું જાય તેવા રોજેરોજ ફતવાઓ પકડાવી ગુજરાતની આવતીકાલમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા આદેશો કરે છે. આવા અનેક પરિપત્રો સામે રોષ વ્યક્ત કરતા ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો, શિક્ષકોએ ‘સરકાર જાય તીડ ઉડાડવા કર્મચારી વિરુદ્ધની નીતિઓની પોલ ખોલવા અમે દિલ્હીમાં ઊતરીશું’ એ એલાન કર્યું હતું. સત્યાગ્રહ છાવણીમાં રાજ્યભરમાંથી એકત્ર થયેલા શિક્ષકોએ સોમવારે સામૂહિક સીએલ મૂકી હતી.

ગુજરાત સરકાર સમક્ષ લાંબા સમયથી શિક્ષકો જૂની પેન્શન યોજના, રૂ.૪,૨૦૦ ગ્રેડ-પે ચાલુ રાખવા, ઉચ્ચતર પગાર ધોરણ CCC પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખથી આપવા અને તેના માટે ૩૦ જૂન ૨૦૧૬ પછી ઝડપથી મુદ્દત વધારવા બાબત, ૭મા પગારપંચ મુજબ અન્ય ભથ્થાં જાહેર કરવા, બિનશૈક્ષણિક કામગીરી નહી સોંપવા, SPન્ રજા બાબતે સ્પષ્ટતા કરવા, ૧૦ વર્ષના બોન્ડવાળા શિક્ષકોને બોન્ડનો સમય ઘટાડવા, HTATના વધના નિયમોમાં સંખ્યાનો રેશિયો દૂર કરવા સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા માગણી કરી રહ્યા છે. છેલ્લા દોઢ-બે મહિનાથી તાલુકા-જિલ્લા સ્તરે સરકાર વિરોધી કાર્યક્રમો યોજાયા છે. સોમવારે ગાંધીનગરમાં મળેલા મહાઅધિવેશનમાં સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતીષ પટેલ અને કોષાધ્યક્ષ ભાભલુ વરુએ ૨૧થી ૨૭મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં જંતરમંતર ખાતે યોજનારા રાષ્ટ્રીય આંદોલનમાં ગુજરાતના શિક્ષકોને ઊમટી પડવા આહવાન કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.