રામ બાદ હવે બુદ્ધ પણ અમારા : નેપાળનો નવો વિવાદ

– વિદેશ મંત્રી જયશંકરે ભગવાન બુદ્ધને ભારતીય ગણાવતા નેપાળ ભડક્યું

– ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધી એવા બે ભારતીયો છે કે જેને દુનિયા હંમેશા યાદ રાખશે : એસ. જયશંકર

 

બુદ્ધની ધરોહર અને વારસાને ધ્યાનમાં રાખી જયશંકરે તેમને ભારતીય કહ્યા હતા : ભારત

પૌરાણિક તથ્યોથી પુરવાર થયું છે કે બુદ્ધનો જન્મ નેપાળમાં થયેલો, તેઓ નેપાળી છે : નેપાળ

 

નેપાળે અગાઉ ભગવાન રામને પોતાના ગણાવ્યા હતા ત્યારે હવે વિશ્વપ્રસીદ્ધ ગૌતમ બુદ્ધને પણ નેપાળે પોતાના ગણાવીને વધુ એક વિવાદ છેડયો છે. આ પહેલા ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે એક સમ્મેલનને સંબોધન કરતી વેળાએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધ આ બન્ને એવા ભારતીય મહાપુરૂષો છે જેને દુનિયા હંમેશા યાદ રાખશે.

બુદ્ધને ભારતીય મહાપુરૂષ કહેતા નેપાળ ભડક્યું હતું અને કહ્યું હતું કે બુદ્ધ ભારતીય નહીં પણ નેપાળી છે, તેઓ નેપાળમાં જન્મ્યા હતા ભારતમાં નહીં. જેને પગલે ભગવાન રામ બાદ હવે બુદ્ધ અંગે પણ નેપાળે વિવાદ છેડયો છે.

નેપાળના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઐતિહાસિક અને પૌરાણીક તથ્યોથી એ સાબિત થાય છે કે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લંુબિનીમાં થયો હતો. લુંબિની બુદ્ધ અને બુદ્ધિઝમનું જન્મસૃથળ છે અને તેને યુનેસ્કોએ પણ વર્લ્ડ હેરિટેજ સૃથળ જાહેર કર્યું છે.

2014માં નેપાળ યાત્રા દરમિયાન ભારતીય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળની સંસદને સંબોધતા કહ્યું હતું કે નેપાળ એ દેશ છે કે જ્યાં ભગવાન બુદ્ધનો જન્મ થયો અને વિશ્વમાં શાંતિનો ઉદ્ધોષ થયો. નેપાળના વિદેશ મંત્રાલયે આ નિવેદન ટ્વીટર વડે જારી કર્યું હતું. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે પણ નેપાળના આરોપોનો વળતો જવાબ આપ્યો હતો.

ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળના નિવેદનો અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે વિદેશ પ્રધાન એસ. જયશંકરના નિવેદનને ખોટી  રીતે રજુ કરવામાં આવી રહ્યુ છે, તેઓએ ભગવાન બુદ્ધના

વારસા અને ધરોહરને ધ્યાનમાં રાખીને આ નિવેદન કર્યું હતું કેમ કે ભગવાન બુદ્ધ વર્ષો સુધી ભારતમાં રહ્યા હતા અને એમાં કોઇ જ શંકા નથી કે ભગવાન બુદ્ધનો જન્મ લુંબિનીમાં થયો હતો જે હાલ નેપાળમાં છે.

આ પહેલા નેપાળના પૂર્વ વડા પ્રધાન અને નેપાળના સત્તાધારી પક્ષ નેપાળ કોમ્યૂનિસ્ટ પાર્ટીના વિદેશ વિભાગના વડા માધવ કુમાર પણ વિવાદમાં કુદી પડયા હતા, તેમણે કહ્યું હતું કે નેપાળ સરકારે તાત્કાલીક ભારત સરકાર સમક્ષ આ મામલો ઉઠાવવો જોઇએ. જ્યારે નેપાળી કોંગ્રેસના પ્રવક્તા બિસ્વા પ્રકાશ શર્માએ કહ્યું હતું કે અમારી પાસે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના દાવાની સામે પુરતા પુરાવા છે કે બુદ્ધનો જન્મ નેપાળમાં જ થયો હતો.

આ પહેલા વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભારતીય ઉધ્યોગ સંઘ(સીઆઇઆઇ)ના સમ્મેલનને સંબોધન કરતા કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધ બે એવા ભારતીયો છે કે જેઓને દુનિયા હંમેશા યાદ રાખશે. તેઓએ સવાલ કર્યો હતો કે અત્યાર સુધીમાં સૌથી મહાન ભારતીય કોણ છે કે જેને તમે યાદ રાખી શકો? હું કહીશ કે એક ગૌતમ બુદ્ધ છે અને બીજા મહાત્મા ગાંધી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.