રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા સરકાર અડવાણી-જોશી પરનો કેસ બંધ કરેઃ સુબ્રમણ્યમ સ્વામી

વડાપ્રધાનની સાથે જ મુખ્યમંત્રી યોગી અને ગવર્નર આનંદીબેન પટેલ પણ તે દિવસે અયોધ્યામાં રહે તેવી ધારણા

 

ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા સરકાર પાસે ભારે મોટી માંગણી કરી છે. સ્વામીના કહેવા પ્રમાણે વડાપ્રધાને ભૂમિપૂજન કરતા પહેલા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત બાકીના નેતાઓ પર ચાલી રહેલા વિવાદિત ઢાંચાના કેસને બંધ કરી દેવો જોઈએ. સ્વામીના કહેવા પ્રમાણે આ નેતાઓએ કોઈ મસ્જિદ નહોતી તોડી પરંતુ ત્યાં પહેલેથી જ બનેલા મંદિરના પુનઃનિર્માણ માટે તેનો કાટમાળ પાડ્યો હતો.

વડાપ્રધાનની અયોધ્યા મુલાકાત પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને બાબરી કેસને ફરીથી ઉછાળ્યો છે. સ્વામીએ ટ્વિટમાં લખ્યું હતું કે, અયોધ્યા જતા પહેલા વડાપ્રધાને અડવાણી, જોશી સહિત બાકીના નેતાઓ પર ચાલી રહેલા કથિત મસ્જિદ વિધ્વંસ કેસનો અંત લાવવો જોઈએ. આ નેતાઓએ કોઈ મસ્જિદ નહોતી તોડી. ત્યાં પહેલેથી જ મંદિર હતું જેને તોડીને વિવાદિત ઢાંચો ઉભો કરવામાં આવેલો. સુપ્રીમ કોર્ટે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. આ નેતાઓએ પહેલાથી સ્થાપિત તે મંદિરના પુનઃનિર્માણ માટે ફક્ત તેનો કાટમાળ પાડ્યો હતો.

સ્વામીનું આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે પરંતુ હજુ સુધી આ મામલે સરકારની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. ઉલ્લેખનીય છે કે આગામી 5 ઓગષ્ટના રોજ રામ મંદિરનું ભૂમિ પૂજન યોજાવા જઈ રહ્યું છે. શ્રી અયોધ્યા તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ આપેલું જેનો તેમણે સ્વીકાર કર્યો છે.

વડાપ્રધાન મોદી 5 ઓગષ્ટના રોજ સવાર 11 વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અયોધ્યામાં રહેશે. આ દરમિયાન તેઓ ભૂમિ પૂજન ઉપરાંત ટ્રસ્ટના સદસ્યો અને અયોધ્યાના સંતોની મુલાકાત લેશે. તેઓ હનુમાનગઢી મંદિરની મુલાકાત લે અને સરયૂમાં સ્નાનનો લહાવો લે તેવી સંભાવના પણ જણાઈ રહી છે. વડાપ્રધાનની સાથે જ મુખ્યમંત્રી યોગી અને ગવર્નર આનંદીબેન પટેલ પણ તે દિવસે અયોધ્યામાં રહેશે તેવું નિશ્ચિત માનવામાં આવે છે.

ભૂમિ પૂજનની સાથે જ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે જે આશરે ત્રણેક વર્ષ ચાલશે. મંદિરની કુલ ઉંચાઈ 161 ફૂટ હશે જેમાં 5 શિખર હશે. તે સિવાય અયોધ્યામાં નવેસરથી વીજળી, પાણી, સીવર, સડક અને ધર્મશાળાઓનું નિર્માણ પણ કરાશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.