રામ મંદિર નિર્માણઃ ભૂમિ પૂજનમાં અડવાણી, જોશીને મોડું નિમંત્રણ શા માટે..??

રામ મંદિર નિર્માણઃ ભૂમિ પૂજનમાં અડવાણી, જોશીને મોડું નિમંત્રણ શા માટે..??

રામ મંદિર આંદોલનના કારણે જ ભાજપના રાજકારણમાં ચમકી ઉઠેલા ઉમા ભારતી, કલ્યાણ સિંહને પહેલેથી જ સન્માનિત સ્વરૂપથી નિમંત્રણ મોકલી દેવાયું

 

ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીને આગામી 5 ઓગષ્ટના રોજ અયોધ્યા ખાતે યોજાનારા ભૂમિ પૂજન કાર્યક્રમ માટે ફોન દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ અડવાણી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુરલી મનોહર જોશીને નિમંત્રણ ન મોકલવામાં આવ્યું હોવાના સમાચાર વહેતા થયા હતા.

જો કે રામ મંદિર આંદોલનને ઉભું કરવામાં અડવાણી અને જોશીનું યોગદાન મહત્વનું છે અને તેમને નિમંત્રણ ન મળે તે મોટો મુદ્દો બની શકે તેમ હોવાથી ડેમેજ કંટ્રોલ કરવા માટે હવે આ બંને નેતાઓને કાર્યક્રમમાં બોલાવવાની વાત કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અડવાણી અને જોશી બંને બાબરી મસ્જિદ વિધ્વંસ કેસના આરોપી છે.

બીજી બાજુ રામ મંદિર આંદોલનના કારણે જ ભાજપના રાજકારણમાં ચમકી ઉઠેલા ઉમા ભારતી અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને પહેલેથી જ સન્માનિત સ્વરૂપથી નિમંત્રણ મોકલી દેવાયું છે. ઉમા અને કલ્યાણ સિંહ એવું કહી જ ચુક્યા છે કે તેમને 6 ડિસેમ્બર, 1992ના બાબરી મસ્જિદ વિધ્વંસની ઘટનાનો કોઈ જ અફસોસ નથી.

અડવાણી ઉપેક્ષાનો શિકાર?

2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર બાદ અડવાણી, જોશી સહિતના દિગ્ગજ નેતાઓને માર્ગદર્શક મંડળમાં સામેલ કરી દેવામાં આવ્યા હતા. પાર્ટી તેમના અનુભવોનો ઉપયોગ કરશે તેમ માનવામાં આવતું હતું પરંતુ ભાગ્યે જ આ મંડળની કોઈ બેઠક યોજાઈ હશે. 2019ની લોકસભા ચૂંટણી વખતે ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી જાણ કર્યા વગર જ અડવાણીની ટિકિટ કાપી નાખવામાં આવી હતી અને તત્કાલીન ભાજપા અધ્યક્ષ અમિત શાહ તે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ ઘટનાને લઈને પણ અડવાણી ખૂબ નારાજ થયા હતા અને ટિકિટ કાપતા પહેલા તેમના સાથે વિચાર વિમર્શ ન થયો તેની ફરિયાદ ઉચ્ચારી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા શાંતા કુમાર તે સમયે અડવાણીને મળવા ગયા ત્યારે તેમણે તેમની આંખોમાં આંસુ પણ જોયા હતા. લોકસભા ચૂંટણી પહેલા એક જનસભા દરમિયાન મોદીએ અડવાણીની ઉપેક્ષા કરેલી તેનો વીડિયો ચર્ચિત બનેલો જે આજે પણ શેર થાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.