દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે અને આ આદેશ 2018માં ભાજપના નેતા પર લાગેલા બળાત્કારના આરોપોને લઈને આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે પોલીસને કહ્યું કે 3 મહિનામાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ નીચલી કોર્ટમાં સોંપે. આ દરમિયાન શાહનવાઝ હુસૈને દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે.
જસ્ટિસ આશા મેનને સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને ઠપકો પણ આપ્યો હતો. કહ્યું કે તેમનું વલણ ઢીલું રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અપીલમાં શાહનવાઝે કહ્યું હતું કે આ મામલે જલ્દી સુનાવણી થવી જોઈએ, પરંતુ કોર્ટે તેનો ઇનકાર કરી દીધો હતો અને સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સપ્તાહે વિચારણા કરે તેવી શક્યતા છે.
દિલ્હીની રહેવાસી પીડિતાએ જાન્યુઆરી 2018માં નીચલી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં શાહનવાઝ સામે બળાત્કારનો કેસ દાખલ કરવાની અપીલ કરવામાં આવી હતી અને મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેમણે છતરપુર ફાર્મ હાઉસમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો અને સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતાએ CrPCની કલમ 156(3) હેઠળ FIR નોંધવા માટે દિલ્હી પોલીસને નિર્દેશ આપવાની માંગ કરી હતી.
કોર્ટે એમ પણ કહ્યું કે FIR ફરિયાદમાં નોંધાયેલા ગુનાની તપાસનો આધાર છે. તપાસ બાદ જ પોલીસ આ નિષ્કર્ષ પર પહોંચી શકે છે કે ગુનો આચરવામાં આવ્યો છે કે નહીં અને જો આમ થયું છે તો એ કોણે આચર્યું છે અને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે કે અંતિમ અહેવાલ સ્વીકારવા કે નહીં. અથવા તો આ બાબતને આગળ વધારવી કે એ માનવું કોઈ કેસ નથી તેમજ આ ઉપરાંત તે ફરિયાદીને સાંભળ્યા બાદ FIR રદ કરવા માંગે છે કે નહિં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.