સુરતના પૂણા વિસ્તારમાં આવેલા ગાર્ડનના તળાવમાંથી પોલીસને એક લાશ મળી આવી છે. આ લાશ રત્નકલાકારની હોવાનું સામે આવ્યું છે અને આ રત્નકલાકાર છેલ્લાં 24 કલાકથી ગૂમ હતો. રત્નકલાકારે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. રત્નકલાકારના મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. રત્નકલાકારની લાશ તળાવમાંથી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર આજે સવારે પૂણા પોલીસ અને ફાયર બ્રિગેડને એક કોલ આવ્યો હતો અને પૂણા ગામના રહીશોએ અહીંના લેકગાર્ડનમાં આવેલા તળાવમાં એક લાશ જોયા બાદ પોલીસને ફોન કર્યો હતો. કોલ આવતા જ પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો લેકગાર્ડનમાં ભેગા થઈ ગયા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડે દોરડાની મદદથી લાશ બહાર કાઢી હતી અને ત્યાર બાદ મૃતદેહની ઓળખ કરવાના પ્રયાસ થયા હતા જેમાં એવું બહાર આવ્યું હતું કે 24 કલાક પહેલાં ગુમ થયેલા રત્નકલાકારનો આ મૃતદેહ છે. રત્નકલાકારનું નામ સુરેશ રાઠોડ હતું. પૂણા પોલીસ સ્ટેશનમાં રત્નકલાકાર સુરેશ રાઠોડના ગુમ થયાની ફરિયાદ ગઈકાલે મંગળવારે જ તેના પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી, તેથી પૂણા પોલીસે સુરેશ રાઠોડના પરિવારને બોલાવ્યા હતા. મૃતદેહ સુરેશ રાઠોડનો જ હોવાની ઓળખ તેના બે નાના ભાઈઓએ કરી હતી. ઓળખ થયા બાદ સુરેશ રાઠોડના મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે રત્નકલાકાર સુરેશ રાઠોડે જાતે જ તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે અને હાલ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે પૂણાના લેકગાર્ડનમાં તળાવને રિ ડેવલપ કરી ત્રણ વર્ષ પહેલાં જ પાલિકા દ્વારા જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.