ક્રિપ્ટોકરન્સી દેશમાં કાયદેસર છે કે નહીં તેને લઇ ચર્ચા ચાલી રહી છે તેની વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નરનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે અને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની દલીલ કરતા કહ્યું કે તે પોન્ઝી સ્કીમ કરતા પણ ખરાબ છે. તેમણે એમ પણ કહ્યું કે આનાથી દેશની નાણાકીય સંપ્રભુતા માટે ખતરનાક છે. શંકરે જણાવ્યું હતું કે ક્રિપ્ટો-ટેક્નોલોજી સરકારી નિયંત્રણથી દૂર રહેવાની ફિલસૂફી પર આધારિત છે તે નિયમનકારી નાણાંકીય વ્યવસ્થાને બાયપાસ કરવા માટે ખાસ વિકસાવવામાં આવી છે.
શંકરે ઈન્ડિયન બેંક્સ એસોસિએશનની 17મી વાર્ષિક બેંક ટેક્નોલોજી કોન્ફરન્સ અને એવોર્ડ સમારોહને સંબોધિત કરતા કહ્યું કે આ તમામ પરિબળોને જોતા એ નિષ્કર્ષ પર આવી શકાય છે કે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવો એ કદાચ ભારત માટે સૌથી યોગ્ય વિકલ્પ છે. ક્રિપ્ટોકરન્સી મોનેટરી સિસ્ટમ, મોનેટરી ઓથોરિટી, બેંક સિસ્ટમ અને સામાન્ય રીતે સરકારની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવાની ક્ષમતાને નષ્ટ કરી શકે છે.
આપને જણાવી દઈએ કે આરબીઆઈના ડિજિટલ રૂપિયાની રજૂઆતને બજેટમાં મંજૂરી આપવામાં આવી છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે 1 ફેબ્રુઆરીએ પોતાના બજેટ ભાષણમાં માહિતી આપી હતી કે ભારતીય રિઝર્વ બેંક નાણાકીય વર્ષ 2023માં તેની ડિજિટલ કરન્સી લાવશે. આ સિવાય નિર્મલા સીતારમણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે.
જો કે આનાથી દેશમાં ક્રિપ્ટોકરન્સીને માન્યતા મળવાની સંભાવના ઉભી થઈ હતી પરંતુ તાજેતરમાં નાણામંત્રીએ સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે ક્રિપ્ટોકરન્સીને નાણાકીય માન્યતા આપવામાં આવી રહી નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસે પણ ગઈ કાલે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીના મુદ્દે સરકાર અને RBI વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે તેઓ અત્યારે કહી શકતા નથી કે ભવિષ્યમાં ખાનગી ક્રિપ્ટોકરન્સીને કાયદેસર કરવામાં આવશે કે કેમ તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારના ટોચના સ્તરે ચર્ચા કર્યા પછી જ આ સંદર્ભમાં કંઈક કહી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.