ગુજરાતમાં આ પાંચ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી….

ગુજરાતમાં અમદાવાદ હવામાન વિભાગના નિયામક ડૉ. મનોરમા મોહંતીએ બુધવારે જણાવ્યું હતું કે રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમજ તેમણે માહિતી આપી હતી કે 14મી જુલાઈએ ડાંગ, વલસાડ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મોસમી વરસાદના 46.70 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. વિભાગે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. 15 જુલાઈ પછી વરસાદ ઓછો થઈ શકે છે.

સત્તાવાર મળતી માહિતી મુજબ સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં ડાંગના સુબીરમાં 134 મીમી, નવસારીના વાસદામાં 110 મીમી, ગીર સોમનાથમાં ગીર ગદ્દા 106 મીમી અને તાપીના ડોલવણમાં 102 મીમી વરસાદ નોંધાયો છે અને જ્યારે 89 તાલુકામાં એક મીમીથી 92 મીમી વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન સવારે 6 વાગ્યા સુધી 33 જિલ્લાના 209 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભરૂચના વાગરામાં 233 મીમી, 24 તાલુકામાં 212 મીમી થી 100 મીમી વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને જ્યારે 184 તાલુકાઓમાં એક થી 97 મીમી વરસાદ નોંધાયો છે. એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 18 ટીમો વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં બચાવ કાર્યમાં લાગેલી છે.

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે જૂનાગઢ, ગીર-સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ ચાલુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 31 હજાર 35 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને તેમાંથી નવ હજાર 848 લોકો પોતાના ઘરે પરત ફર્યા છે જ્યારે લગભગ 21 હજાર 94 લોકો આશ્રય સ્થાનો પર છે. 1 જૂનથી રાજ્યમાં વરસાદના કારણે 83 લોકોના મોત થયા છે જેમાં મોટાભાગના મૃત્યુ વીજળી પડવાથી થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.