નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં અમલસાડ ગામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જાહેરમાં બે ધારાસભ્યો વચ્ચે ચાલી રહેલા વિવાદને સ્વીકાર્યો હતો અને તે અંગે તેમને ટકોર પણ કરી હતી.
નવસારી જિલ્લાના ભાજપના જ બે ધારાસભ્ય પિયુષ દેસાઈ અને આર.સી. પટેલ વચ્ચે ઘણા વખતથી વિવાદ ચાલી રહ્યો છે અને જે વિવાદ અનેક વખત જાહેર માધ્યમો ઉપર પણ આવી ચુક્યો છે. ત્યારે આજે નવસારી જિલ્લાના અમલસાડ ગામ ખાતેના એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જાહેર મંચ ઉપરથી ધારાસભ્યો વચ્ચેના વિવાદનો સ્વીકાર કર્યો હતો.
પાટીલે પોતાના વક્તવ્યમાં જાહેર મંચ ઉપરથી નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી પટેલનો સ્પષ્ટ ઉલ્લેખ કરી તેમની વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે ટિપ્પણી કરી હતી અને પિયુષ દેસાઇ વિજલપોરને પાણી ન આપે અને આર.સી. પટેલ નવસારીનો કચરો વિજલપોરમાં ન નાખવા દે તેવી સ્પષ્ટ વાત પાટીલે જાહેરમંચ ઉપરથી કરી હતી અને આ સાથે પાટીલે ધારાસભ્યોના વિવાદ વચ્ચે વિકાસ રૂંધાવો ન જોઈએ તેવી ટકોર પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં પાટીલની સાથે સાથે કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને જીતુભાઈ ચૌધરી પણ હાજર હતા અને પાટીલનું આ પ્રકારનું નિવેદન ચોક્કસપણે બંને ધારાસભ્યોના સમર્થકોમાં ચર્ચાનું વિષય બન્યું છે. હાલ પાટીલ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સંગઠન મજબુત બનાવવા ઉપર કાર્ય કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.