રાજકોટની ગર્ભવતી યુવતીને પ્રેમીએ જ જૂનાગઢ ભવનાથના જંગલમાં લઇ જઇ મોતને ઘાટ ઉતારી દીધી

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે એ કશું જ જોતો નથી પરંતુ ક્યારેક પ્રેમમાં જીવ પણ ગુમાવવા પડે છે. રાજકોટની ગર્ભવતી યુવતીની જૂનાગઢના ભવનાથ જંગલમાં તેના જ પ્રેમીએ હત્યા કરવાની ઘટના સામે આવી છે. મૃતક યુવતી લિવ-ઇન રિલેશનમાં રહેતી હતી.અને યુવતીના કોઇ બીજા સાથે આડા સંબંધ હોવાની શંકામાં પ્રેમીએ પોતાની પ્રેમીકાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એક પ્રેમ પ્રકરણનો વધુ કરુણ અંજામ આવ્યો છે. અને આ ઘટનામાં પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અંગે Dy.SP પી.જી.જાડેજાના જણાવ્યા મુજબ રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતી ઉર્મિલા નામની યુવતી છેલ્લા ચારેક વર્ષથી રાજકોટના બુટલેગર મનસુખ જાદવ નામના યુવાન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી અને છેલ્લા ઘણા સમયથી મનસુખ અને ઉર્મિલા વચ્ચે આડા સંબંધને લઈ વિવાદ ચાલતો હતો. ત્યારબાદ મનસુખે ઉર્મિલાની હત્યા કરવાનું કાવતરૂં રચીને પ્લાન બનાવ્યો. પ્લાન મુજબ મનસુખ ઉર્મિલાને 8 ફેબ્રુઆરીના રોજ રાજકોટથી જૂનાગઢ લઇ પહોંચ્યો.

ઉર્મિલાને ભવનાથ જંગલ વિસ્તારમાં ધાર્મિક જગ્યાએ દર્શન કરવા જવાનું કહી જંગલ વિસ્તારમાં લઇ ગયો હતો. ત્યાં પ્રેમી મનસુખે ઉર્મિલા પર ઉપરાછાપરી ચપ્પુના હુમલો કરી હત્યા કરી નાખી હતી ત્યારબાદ બે-ત્રણ દિવસથી મનસુખ એકલો જ નજરે પડતો હતો. જેથી ઊર્મિલાના પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતી હતી ત્યારબાદ ઉર્મિલાની માતાએ રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ઉર્મિલા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી કરાવી હતી.

આ ફરિયાદના આધારે રાજકોટ પોલીસ દ્વારા ટેક્નિકલ સોર્સની મદદથી મનસુખનું લોકેશન મેળવી તેની પુછપરછ કરવામાં આવી હતી અને ત્યારે મનસુખે ઉર્મિલાની જૂનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાં હત્યા કરી હોવાનું સ્વીકાર્યુ હતું જેથી આ માહિતીના આધારે રાજકોટ પોલીસે જૂનાગઢ પહોંચીને સ્થાનિક પોલીસની મદદથી ભવનાથના જંગલો વિસ્તારમાંથી ઉર્મિલાના શવની શોધખોળ હાથ ધરી હતી. મનસુખે હત્યાવાળી જગ્યા બતાવતા ત્યાં ઉર્મિલાનો મૃતદેહ પડ્યો હતો. જોકે, મૃતદેહનો એક હાથ દીપડા ખાઈ ગયા હતા.

પોલીસે મૃતક ઉર્મિલાની માતાની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આરોપી મનસુખની ધરપકડ કરી છે તેમજ આરોપી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ ભવનાથના જંગલ વિસ્તારમાં ઉર્મિલાના મૃતદેહની બાજુમાં સિંહો ગર્જના કરતા હતા અને પોલીસે મહામહેનતે ઉર્મિલાના શવને જંગલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ મોકલ્યુ હતું અને આ હત્યાની ઘટનામાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા છે. ખુલાસાઓ અંગે પોલીસના જણાવ્યા મુજબ હત્યાનો આરોપી મનસુખ પ્રોહિબિશનના ગુનામાં પોલીસ રેકોર્ડમાં ચડી ચૂક્યો છે અને જેલમાં પણ રહી ચૂક્યો છે. મૃતક ઉર્મિલા ગર્ભવતી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.