સુશાંત સિંહ રાજપૂત કેસથી સંબંધિત ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. રિયા બપોરે સાડા 12 વાગ્યાની આસપાસ NCB ઓફિસ પહોંચી હતી. ત્યારબાદથી NCBનાં અધિકારીઓ સતત તેની પૂછપરછ કરી રહ્યાં હતા. પૂછપરછ લગભગ સાડા 6 કલાક ચાલી હતી.
સૂત્રોનું કહેવું છે કે, પૂછપરછ દરમિયાન રિયાએ કબૂલાત કરી છે કે, સુશાંતના ઘરે ડ્રગ્સ આવતું હતું. પરંતુ તે ઘણા પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપી શકી નહીં. સૂત્રોનું કહેવું છે કે એનસીબી પાસે મજબૂત પુરાવા છે જેના આધારે રિયાએ સુશાંતના ઘરે ડ્રગ આવવાનું કબૂલ્યું છે. રિયાના ઘણા પ્રશ્નોના જવાબથી એનસીબી સંતુષ્ટ નથી, તેથી જ સોમવારે તેને પૂછપરછ માટે પાછી બોલાવવામાં આવી છે.
NCBનાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (દક્ષિણ-પશ્ચિમ ઝોન) એમ અશોક જૈને એજન્સીની ઓફિસની બહાર કહ્યું હતું કે આજની જેમ સોમવારે ફરીથી રિયાને પૂછપરછ કરવા અને પોતાનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવશે. તેમણે કહ્યું કે એજન્સીએ આ કેસમાં અનુજ કેશવાની નામની વ્યક્તિ વિરુદ્ધ છાપામારો પણ કર્યો છે, જેનું નામ કૈઝાન ઇબ્રાહિમની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું. આ કેસમાં અગાઉ ઇબ્રાહિમની ધરપકડ કરવામાં આવી હતી.
જૈને જણાવ્યું હતું કે, કેશવાની વિરૂધ્ધ કરેલી છાપામારી દરમિયાન “અમે 590 ગ્રામ હાશીશ, 0.64 ગ્રામ એલએસડી શીટ્સ, 304 ગ્રામ મોરિજુઆના અને કેપ્સ્યુલ્સ સહિત રૂ. 1,85,200 ની રોકડ અને 5000 ઇન્ડોનેશિયન રૂપીયા કબજે કર્યા છે,” જૈને જણાવ્યું હતું.
જ્યારે એજન્સીને રિયાના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને વિગતવાર માહિતી આપી શકતો નથી … કારણ કે તમારા (મીડિયાના) સહયોગથી, અમને ઘણી માહિતી મળી રહી છે.”
આ કેસ સાથે સંકળાયેલા તપાસ અધિકારી સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે રિયા આજે મોડી પહોંચી હતી, તેથી તપાસ પૂરી થઈ શકી નથી. એનસીબીના ડીજી અશોક જૈને પત્રકારોને જણાવ્યું હતું કે રિયાને આવતીકાલે ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ક્ષણે હું તપાસ અંગે કંઈ કહી શકું તેમ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા શનિવારે એનસીબીએ સુશાંત સિંહ રાજપૂતના રસોઈયા દિપેશ સાવંતની ધરપકડ કરી હતી. દિપેશ સરકારી સાક્ષી બનવા માટે તૈયાર છે. એનસીબીએ રવિવારે દિપેશને મુંબઈની કોર્ટમાં રજૂ કર્યો હતો. 9 સપ્ટેમ્બર સુધી તેમને 3 દિવસની કસ્ટડી લેવાની મંજૂરી મળી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.