રોહિત-વિનેશ ફોગટ સહિતના પાંચ ખેલાડીઓની ખેલ રત્ન માટે નોમિનેટ

ભારતના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા, મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટ, મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ, ટેબલ ટેનિસ સ્ટાર માનિકા બત્રા અને પેરા ઓલિમ્પિકના ગોલ્ડમેડાલીસ્ટ એથ્લીટ મરિયપ્પન થાન્ગવેલુને ચાલુ વર્ષે દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર – રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જ્યારે ઈશાંત શર્મા સહિતના ૨૯ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવા માટે ભલામણ કરવામાં આવી છે.

ખેલ મંત્રાલયની ૧૨ સભ્યોની સમિતિએ કરેલી ભલામણ પર હવે ખેલ મંત્રાલય ઔપચારિક રીતે જ મંજૂરીની મહોર મારશે. દેશના રાષ્ટ્રીય રમત દિવસ તારીખ ૨૯મી ઓગસ્ટના રોજ એક વર્ચ્યુઅલ સમારંભમાં ખેલાડીઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે.  ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના  જન્મદિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નોંધપાત્ર છે કે, રાષ્ટ્રીય રમત દિવસે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાતા સમારંભમાં રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન એનાયત કરવામાં આવતું હતુ. જોકે કોરોનાના કારણે આ વર્ષે વર્ચ્યુઅલ સેરેમની યોજાવાની છે.

અર્જુન એવોર્ડ માટે ક્રિકેટર ઈશાંત શર્મા, તીરંદાજ અતાનુ દાસ, મહિલા હોકી ખેલાડી દીપિકા ઠાકુર, કબડ્ડી પ્લેયર દીપક હૂડા, ટેનિસ ખેલાડી દિવિજ સરન સહિતના ૨૯ ખેલાડીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.

રોહિત શર્મા તેંડુલકર, ધોની અને કોહલી બાદ ચોથો એવો ભારતીય ક્રિકેટર બનશે કે જને ખેલ રત્ન એવોર્ડ મળશે. ખેલ રત્ન એવોર્ડના ઈતિહાસમાં પહેલી વખત એક સાથે પાંચ ખેલાડીઓને આ સન્માન મળશે. અગાઉ વર્ષ ૨૦૧૬માં બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુ, કુસ્તીબાજ સાક્ષી મલિક, જિમ્નાસ્ટ દીપા કરમાકર અને શૂટર જીતુ રાઈને સંયુક્તપણે આ સન્માન આપવામાં આવ્યું હતુ. ખેલ રત્ન એવોર્ડ અંતર્ગત ખેલાડીને મેડલ, સર્ટિફિકેટ તેમજ સાડા સાત લાખ રૃપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. જ્યારે અર્જુન એવોર્ડ વિજેતાને પ્રશસ્તિપત્ર, કાંસામાંથી બનાવેલા અર્જુનની પ્રતિમા અને પાંચ લાખનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.