હવે RTO ના કામ માટે નોકરીયાતો ને રજા પાડવાની જરૂર નહિ પડે

રાજ્ય સરકારે ટ્રાફિકનો નવો નિયમ અમલી બનાવી દીધો છે પરંતુ આ નિયમને અમલી બનાવતા પહેલા જે પૂર્વ તૈયારીઓ કરવાની હોય તે તૈયારી કરી નથી. સરકારની આ ભૂલના કારણે નવો નિયમ લાગુ થયા પછી જનતાને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. નોટબંધી સમયે જેમ બેંકની બહાર લાંબી લાંબી લાઈનો જોવા મળતી હતી. તેમ હવે PUC સેન્ટર અને RTOની બહાર વાહન ચાલકોની લાંબી લાંબી લાઈન જોવા મળે છે.

PUC માટે લોકોને પડતી મુશ્કેલી જોઈને સરકાર દ્વારા તાત્કાલિક 900 જેટલા નવા PUC સેન્ટર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો અને અરજીઓ મંગાવવામાં આવી હતી. આ ઉપરાંત HSRP નંબર પ્લેટ અને PUCની મુદ્દતમાં વધારો કરીને 15 ઓકટોબર કરવામાં આવી છે.સરકાર દ્વારા એક સમસ્યાનું નિરાકરણ તો લાવવામાં આવ્યું પણ નવા કે, જૂના લાઇસન્સ માટે હાલમાં એટલા બધા લોકો ઓનલાઈન અરજી કરી રહ્યા છે કે, કેટલીક વારતો RTOના સર્વર પણ ઠપ થઇ જાય છે.

રાજ્યના કેટલાક શહેરોમાં તો નવા લાઈસન્સની પરીક્ષા માટે બે-બે મહિનાના વેઈટીંગ છે. તો બીજી તરફ કેટલાક વાહન ચાલકો લાઇસન્સ મેળવવા ડ્રાઈવીંગ ટેસ્ટ આપવા માટે વહેલી સવારથી જ લાંબી લાંબી લાઈનો લગાવે છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકારની આ પ્રકારની નીતિને લઇને નાગરીકોમાં રોષની લાગણી જોવા મળી છે. જનતામાં રહેતા રોષને ઠારવા માટે પરિવહન વિભાગના અધિકારીઓની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યની તમામ RTO કચેરી રવિવારના દિવસે પણ શરૂ રહેશે. આ રવિવારથી જ આ નિયમ અમલી બનશે. જેના કારણે વાહન ચાલકો રવિવારે પણ RTOનું કામ કરાવી શકશે. એટલે તમે રવિવારની રજાના દિવસે જ RTOના કામ પતાવી શકશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.