વિધાનસભા ગૃહમાં ખેડૂતો માટે લાભદાયી પાકવિમાને લઇને ચર્ચા થઇ રહી ત્યારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અધવચ્ચેથી આખોય પ્રશ્ન રદ કરી દીધો હતો પરિણામે કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતું. એટલું જ નહીં, કોંગ્રેસના ધારાસભ્યોનું માનવુ છેકે,ગૃહમાં વિપક્ષનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
સાથે સાથે અધ્યક્ષનું પક્ષપાતી વલણ હોય તેવુ સ્પષ્ટપણે જોવાઇ રહ્યું છે. આ કારણોસર કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા તૈયારીઓ કરી છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ફરી એકવાર વિવાદમાં ઘેરાયાં છે.ઉલ્લેખનીય છેકે, ગત બજેટ સત્ર વખતે ય અધ્યક્ષના પક્ષપાતી વલણને લઇને કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો મુદ્દો ઉપસ્થિત થયો હતો ત્યારે વિપક્ષ-શાસક પક્ષે ભેગા મળીને આખોય મામલો માંડ માંડ થાળે પાડયો હતો.
આ વખતે ફરી વિધાનસભા અધ્યક્ષ વિપક્ષના નિશાને રહ્યાં છે. ગૃહમાં પાકવિમાને મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસને સરકારને ઘેરવાની તક મળી હતી એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્યોને આ પ્રશ્નમાં રસ પડયો હતો.તે વખતે કૃષિમંત્રી આર.સી.ફળદુ જવાબ આપી રહ્યાં હતા ત્યારે ધારાસભ્ય લલિત કગથરાએ કોમેન્ટ કરતાં અધ્યક્ષ એટલી હદે ગુસ્સે થયા કે, આખોય પ્રશ્ન રદ કરી ચર્ચાને આગળ વધારી દીધી હતી. અધ્યક્ષના આવા વલણને જોઇને વિપક્ષે ગૃહત્યાગ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતાં.વોકઆઉટ બાદ ધારાસભ્યોએ દંડક અશ્વિન કોટવાલને સામૂહિક રજૂઆત કરી હતીકે, અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવી જોઇએ. દંડક અશ્ચિન કોટાવાલે આ મુદ્દે એવી પ્રતિક્રિયા આપીકે, પાકવિમાના મુદ્દે સરકારે સામે ચાલીને મુક્તમને ચર્ચા કરવી જોઇએ કેમકે, ખેડૂતોનો સંવેદનશીલ પ્રશ્ન છે પણ ગૃહમાં વિપક્ષ પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવે નહીં,સરકાર સાથે ચર્ચા કરે નહી તેવા પ્રયાસો થઇ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.