એલઆરડીની ભરતીમાં અનામતના મુદદે એવી અસમંજસની પરિસ્થિતી નિર્માણ થઇ છે કે,સરકારે આખરે સમાધાનકારી ફોર્મ્યુલા ઘડી કાઢી હતી. એસસી,એસટી સહિત સામાન્ય વર્ગની બેઠકોમાં વધારો કરીને ભરતી કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, 62.5 ટકા લઘુત્તમ લાયકાત આધારે ભરતી કરવા નક્કી કરાયું છે. ટૂંકમાં બધાય વર્ગને ખુશ કરીને આંદોલન થાળે પાડવા સરકારે પ્રયત્ન કર્યો હતો પણ અનામત વર્ગના ઉમેદવારોએ આ ફોર્મ્યુલાને લોલીપોપ ગણાવી આંદોલનને યથાવત રાખવા એલાન કર્યુ છે.
એલઆરડીની ભરતીના મુદ્દે અનામતની ગૂંચ પડતાં સરકાર ચકરાવે ચડી છે.અનામત અને બિનઅનામત વર્ગ વચ્ચે ખેંચતાણ સર્જાતા રવિવારે ગાંધીનગરમાં સીએમ હાઉસમાં બેઠકોનો દોર જામ્યો હતો. આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા,શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા,મંત્રી કૌશિક પટેલ ઉપરાંત મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન હાજર રહ્યા હતાં.
બેઠકના અંતે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું કે, તમામ કાયદાકીય પાસાઓની વિચારણાના અંતે એવુ નક્કી કરાયું છેકે, 62.5 ટકાની લઘુત્તમ લાયકાત આધારે ભરતી કરાશે. આ ભરતી પુરતું તા.1-8-18ના પરિપત્રનો અમલ થશે નહીં. કુલ મળીને 5227 બેઠકોની ભરતી કરવામાં આવશે.સામાન્ય વર્ગની 421 બેઠકો વધારી 880,એસસીની 346 બેઠકો વધારી 584 બેઠકો પર ભરતી કરાશે. એસટીની 476ને બદલે હવે 511 બેઠકો પર ભરતી કરવામાં આવશે. આમ કુલ 2150 બેઠકોનો વધારો કરાયો છે.
જનરલ એડવોકેટ સાથે પરામર્શ કર્યા બાદ આ સમાધાનકારી ફોર્મ્યુલા બનાવાઇ છે. રાજ્ય સરકારે કોઇ પણ સમાજને અન્યાય ન થાય તે માટે બેઠકોમાં વધારો કરાયો છે. અત્યારે આ સમગ્ર બાબત હાઇકોર્ટમાં પેન્ડિગ છે. એટલે પરિપત્રનો અમલ કરાશે નહીં. હાઇકોર્ટના ચુકાદાની ય સરકાર રાહ જોઇ રહી છે. આ જાહેરાત કર્યા બાદ નાયબ મુખ્યમંત્રીએ અનામત અને બિન અનામત વર્ગના ઉમેદવારોને આંદોલન પાછુ ખેંચવા અપીલ કરી હતી. રવિવારે સતત બેઠકોનો દોર ચાલ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિના આગમનને પગલે આંદોલનને થાળે પાડવા સરકાર સક્રિય બની છે. આ તરફ,અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ સરકારની જાહેરાત છતાંય આંદોલન જારી રાખવા એલાન કર્યુ છે જેથી સરકાર મૂંઝાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.