રાજ્યમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પાક વીમા કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂત એકતા મંચે માણાવદર અને મુળી તાલુકામાંથી પાક વીમા કૌભાંડની પોલ ખોલી છે. આ અંગે સાગર રબારીએ કહ્યું કે પાક વીમા યોજના શરૂઆતથી વિવાદમાં રહી છે. જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. અને માણાવદરનો આંકડો ખૂબ ચોંકાવનારો છે. તો રતનસિંહે કહ્યું કે પાક વીમા યોજનામાં સંતોષકારક કામગીરી નથી થઇ. અને પાક વીમો ખાઇ જનાર સામે પણ કામગીરી નથી કરાઇ. જૂનાગઢના માણાવદરમાં 76 હજાર 397 પાક વીમો ખેડૂતોને મળવા પાત્ર હતો.
ખેડૂતોના હકની રકમ કંપનીઓ ચાંઉ કરી ગઇ
સરકારે અને વીમા કંપનીઓએ 14.20 ટકા વીમો જાહેર કર્યો હતો. અને ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.12,070 પાક વીમો અપાયો. જો કે ખેડૂતોને 89.87 ટકા પાક વીમો મળવા પાત્ર થતો હતો. એટલે કે પાક વીમામાં 75.67 ટકા રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરાયો છે. અને હેક્ટર દીઠ ખેડૂતોના હકના રૂ.64,327 કંપનીઓ ચાંઉ કરી ગઇ છે.
સુરેન્દ્રનગરના માં પણ પાક વીમામાં કૌભાંડ
સુરેન્દ્રનગરના મુળીમાં પાક વીમામાં કૌભાંડ થયું છે. નિયમ પ્રમાણે 68.89 ટકા પાક વીમો મળવા પાત્ર હતો પરંતુ સરકારે નિયમો નેવે મુકી 11 ટકા પાક વીમો જાહેર કર્યો હતો. અને ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.55,112 મળવા પાત્ર હોય છે તેની વિરુદ્ધ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.8800 પાક વીમો અપાયો. એટલે કે હેક્ટર દીઠ રૂ.46,312 કંપનીઓ ચાંઉ કરી ગઇ જેને લઇ ખેડૂત એકતા મંચએ આરોપ કર્યો છે કે આ કૌભાંડમાં સરકાર સંડોવાયેલી છે. એક જિલ્લામાં 550 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. મોટામાથાની સંડોવણી વિના ભ્રષ્ટાચાર શક્ય નથી. એટલે જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.