રશિયા અને ભારત ઓનલાઈન ચેસ ઓલિમ્પિયાડમાં સંયુક્ત વિજેતા, ભારતને ગોલ્ડ મેડલ

કોરોના મહામારીમાં ઓનલાઈન યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભારે નાટકીય અને વિવાદાસ્પદ ઘટના ક્રમ બાદ ભારત અને રશિયાને સંયુક્તપણે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં સૌપ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીતવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ભારત અને રશિયા વચ્ચેની હાઈપ્રોફાઈલ ફાઈનલના આખરી રાઉન્ડમાં ભારતના બે ખેલાડીઓનું ઈન્ટરનેટ કનેક્શન સર્વરની નિષ્ફળતાને કારણે જતું રહ્યું હતુ અને આ બંને ખેલાડીઓને હારેલા જાહેર કરતાં ભારતને સિલ્વર મેડલ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જોકે ભારતીય ટીમે નોંધાવેલા સત્તાવાર પ્રોટેસ્ટને માન્ય રાખતાં ફિડેએ નિર્ણય બદલ્યો હતો અને બંને દેશોને સંયુક્ત વિજેતા જાહેર કર્યા હતા.

ભારતના ભૂતપૂર્વ મલ્ટીપલ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે ટ્વીટર પર લખ્યું હતુ કે,’વી આર ધ ચેમ્પિયન્સ !! કોંગ્રેટ્સ રશિયા!’ ભારત આ પહેલી વખત ચેસ ઓલિમ્પિયાડની ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. નોંધપાત્ર છે કે, ચેસ ઓલિમ્પિયાડમાં આ અગાઉનો ભારતનો શ્રેષ્ઠ દેખાવ ૨૦૧૪માં નોંધાયો હતો, ત્યારે ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કોરોના મહામારીના કારણે આ વર્ષે ચેસની સર્વોચ્ચ સંસ્થા ફિડેએ સૌપ્રથમ વખત ઓનલાઈન ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કર્યું હતુ.

ફાઈનલના પ્રથમ રાઉન્ડમાં તમામ છ બાજી ડ્રો થતાં બંને ટીમો ૩-૩થી બરોબરી પર રહી હતી. બીજા રાઉન્ડમાં ભારતીય ટીમના બે ખેલાડીઓ નિહાલ સરીન અને દિવ્યા દેશમુખ તેમની મેચ રમી રહ્યા હતા, ત્યારે ઈન્ટરનેટ કનેક્શન જતું રહ્યું હતુ અને તેઓને હારેલા જાહેર કરવામાં આવ્યા હતા. જેની સામે ભારતે સત્તાવાર વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ રમાયેલી સેમિ ફાઈનલમાં ભારતે પોલેન્ડને અને રશિયાએ અમેરિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.