ગાંધીનગર ખાતે 10 જાન્યુઆરીથી યોજાનારી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને શરૂ થવાના ચાર દિવસ બાકી રહ્યા હતા ત્યારે જ વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે અને તેના કારણે રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુતિન પોતાના 80 સભ્યોના કાફલા સાથે અટવાઈ ગયા છે મિખાઈલ મિશુતિન માટે ગુજરાતમાં આંટો મારીને જવા જેવી સ્થિતી સર્જાઈ છે.
રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુતિન તેમના 61 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે બુધવારે આવી પહોંચ્યા હતા અને એક વર્ષ પહેલાં રશિયાના વડાપ્રધાન બનેલા મિખાઇલ મિશુતિન તેમના પ્રતિનિધિમંડળના 61 સભ્યો અને 19 ક્રુ મેમ્બર્સ મળીને 80 લોકોના કાફલા સાથે મંગળવારે મોડી રાત્રે સ્પેશિયલ એરક્રાફ્ટ દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.
કોરોનાના વધારે કેસો હોવાથી રશિયાનો સમાવેશ ‘હાઇ રિસ્ક’ કન્ટ્રીમાં કરાયો હોવાથી રશિયાના વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળના સભ્યોને હોટેલમાં ‘ક્વોરેન્ટાઇન’ કરી દેવાયા હતા.
રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુતિનને ગાંધીનગરની હોટેલ ધ લીલામાં રખાયા છે જ્યારે પ્રતિનિધિમંડળના અન્ય સભ્યોને અમદાવાદની હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે અને રશિયાના પ્રતિનિધિમંડળમાં રશિયન ફાર ઈસ્ટ પ્રોવિન્સમાંથી કેટલાક ગવર્નરપણ આવ્યા છે.
મિખાઇલ મિશુતિનના અમદાવાદ એરપોર્ટ પર આગમન સમયે કોવિડ પ્રોટોકલનું પાલન ન કરાયું હોવાના પણ આક્ષેપ છે. કોવિડ પ્રોટોકલ પ્રમાણે ‘હાઇ રિસ્ક’ કન્ટ્રીમાંથી આવતા મુસાફરોનો અમદાવાદ એરપોર્ટમાં સૌપ્રથમ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. પ્રવાસીનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેઓ એરપોર્ટ બહાર જઇ શકે છે.
જો કે રશિયામાંથી આવતા તેમના વડાપ્રધાન અને પ્રતિનિધિમંડળનો માત્ર ઔપચારિક્તા પૂરતો જ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાના અહેવાલ બહાર આવ્યા હતા અને આ તમામ લોકોના આરટીપીસીઆર નહીં પણ માત્ર એન્ટિજન ટેસ્ટ કરીને તેમને જવા દેવાયા હતા. જેથી આ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ જાહેર કરીને તેમને જવા દેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા સત્તાવાર રીતે આ અંગે કશું કહેવાયું નથી પણ અખબારી અહેવાલમાં આ દાવો કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.