S400’ના કારણે ચીનના પેટમાં રેડાયું તેલ, નથી ઈચ્છતું કે ભારતને મળે આ અભેદ્ય કવચ

લદ્દાખમાં ગત 15 જૂનના રોજ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી અને ત્યારથી જ ભારતીય સેના સંપૂર્ણપણે સતર્ક અને તૈયાર બની ગઈ છે. ચીનની કોઈ પણ ચાલ અને વિપરિત પરિસ્થિતિઓનો જવાબ આપવા માટે ભારત પોતાની તૈયારીઓ વધુ મજબૂત કરી રહ્યું છે. આ તૈયારીઓના ભાગરૂપે જ રશિયા પાસેથી બને તેટલી ઝડપથી S400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ હાંસલ કરવામાં આવશે જેથી કોઈ પણ દુશ્મનને જડબાતોડ જવાબ આપી શકાય.

આ કારણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો રશિયાનો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રશિયા ભારતને હથિયાર વેચી રહ્યું છે તે ચીનને પસંદ નથી આવ્યું. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેઈલી દ્વારા એક ફેસબુક પોસ્ટ કરવામાં આવી છે જે હથિયારોના આ સોદાની વિરૂદ્ધ જણાઈ રહી છે.

હવે જ્યારે ભારતને S400 મળી રહી છે ત્યારે ચીનની બેચેની વધી રહી છે કારણ કે તેને વિશ્વની સૌથી શક્તિશાળી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે અને તે ભારતના દુશ્મનોને ધૂળ ચાટતા કરવાની ક્ષમતા ધરાવે છે. તેનું આખું નામ S-400 ટ્રાયમ્ફ છે. તે એરક્રાફ્ટ ક્રૂઝ મિસાઈલ અને એટમી મિસાઈલને પણ હવામાં જ મારીને પાડી દેવાની શક્તિ ધરાવે છે. તેને વિશ્વની સૌથી ખતરનાક ડિફેન્સ સિસ્ટમની ઉપાધિ મળી ચુકી છે.

તેની આટલી શક્તિ પાછળનું રહસ્ય તેમાં જે ત્રણ તકનીકનો ઉપયોગ થયો છે તેમાં રહેલું છે. તેમાં ત્રણ તકનીકો એક સાથે કામ કરે છે જેમાં પહેલી છે મિસાઈલ લોન્ચર, બીજી છે શક્તિશાળી રડાર સિસ્ટમ અને ત્રીજી છે કમાન્ડ સેન્ટર. તેનું રડાર 600 કિમીના અંતર સુધી પોતાના ટાર્ગેટને ઓળખી શકે છે અને એક સાથે 100થી લઈને 300 ટાર્ગેટ્સને ટ્રેક કરી શકે છે.

એસ-400માં ફિટ કરવામાં આવેલી મિસાઈલ 400 કિમી સુધીના અંતર સુધી વાર કરી શકે છે. તેની મારક ક્ષમતા એટલી અચૂક છે કે તે એક સાથે ત્રણ દિશાઓમાં મિસાઈલ તાકી શકે છે અને હવામાં ઉડતા 36 ટાર્ગેટ્સને એકસાથે નિશાન સાધી શકે છે. આ સિસ્ટમ મિસાઈલથી લઈને ડ્રોન દ્વારા જે હુમલા કરવામાં આવે તેને નિષ્ફળ બનાવી શકે છે. એટલું જ નહીં મિસાઈલ હુમલાની સ્થિતિમાં સિસ્ટમ જાતે જ એક્ટિવ થઈને દુશ્મનની મિસાઈલ કે લડાકુ વિમાનને હવામાં જ ધ્વસ્ત કરી શકે છે.

આ મિસાઈલનું ટેસ્ટિંગ ખૂબ જ આકરૂં હોય છે અને તેના દરેક ભાગોએ ધૂળ, વરસાદ, ઠંડી જેવી દરેક સ્થિતિનો સામનો કરવો પડે છે. વિશ્વમાં હજુ સુધી એવું કોઈ ફાઈટર જેટ નથી જે એસ-400ના રડારથી બચી શકે. આ સિસ્ટમની દૂર સુધી વાર કરવાની ક્ષમતાના કારણે નાટો તેને વિશ્વની સૌથી ખતરનાક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માને છે. એસ-400ની ખૂબીઓ અને ખાસિયતોના કારણે સંરક્ષણ નિષ્ણાંતો તેને ભારતની એર ડિફેન્સ માટે ખૂબ જ મહત્વની માને છે.

અનેક વખત ભારતીય સેનાએ આ મિસાઈલની જરૂરિયાત અનુભવી છે. ત્યારે રાજનાથ સિંહે રશિયાની મુલાકાત દરમિયાન આ મિસાઈલની ડિલિવરી ઝડપી બનાવવાને પોતાનો પ્રમુખ એજન્ડા બનાવ્યો છે. આશા છે કે S-400 માટે ભારતીય સેના જે રાહ જોઈ રહી છે તેનો ઝડપથી અંત આવે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.