સલામત અને શાંત રાજ્યના ફાંકા ઝીંકતુ ભાજપ ક્યારે ઉંઘમાંથી બહાર આવશે

રાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં હત્યા, બળાત્કાર, લૂંટ, એ.ટી.એમ. ઉપાડી જવા અને અમદાવાદમાં તો જ્વેલર્સ ઉપર ફાયરિંગ કરી લૂંટ, ફાયનાન્સ કંપનીઓમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના જે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ અને માઝા મૂકેલી ગુનાખોરીને ઉજાગર કરે છે. ગૃહ વિભાગની નિષ્ફળતા પર આકરા પ્રહાર કરતાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં છેલ્લાં બે વર્ષમાં ૧૭૮ હત્યા એટલે કે દર બે મહિને ૧૫ હત્યા, ૯૩ ધાડ, ૬૭૪ લૂંટ અને ૮૩૩ અપહરણની ઘટના બની છે. એટલે કે દર મહિને ૪ ધાડ, ૨૮ લૂંટ, ૪૬ ઘરફોડ, ૩૫ અપહરણની ઘટના બની છે. જે પોલીસ તંત્રની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ ઊભા કરે છે. સલામત અને શાંત રાજ્યની વાહવાહી લૂંટતા ભાજપના રાજમાં પાંચ વર્ષમાં ૪૩૬૫ બળાત્કારની ઘટના નોંધાઈ છે. જેમાં ૨૪૦૮ સગીર વયની દીકરીઓ બળાત્કારની ભોગ બની છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં ૯૬ ઘટના સામૂહિક બળાત્કારની અને પાંચ વર્ષમાં ખૂનના ૧૪૦૯ ગુના નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં બે વર્ષમાં ૧૭૮ હત્યા થઈ છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ કથળી ગઈ છે. ખૂન, લૂંટ અને ઘાડના બનાવો વધતા ગયા છે. વેપારીની ધોળાદિવસે હત્યા અને લૂંટ, મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ ગુમ થાય, બહેન-દીકરીઓના અછોડા તૂટવાની બાબત રોજિંદી બની ગઈ છે. ધાર્મિક સ્થળો પણ સુરક્ષિત નથી. મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓ લુંટાય છે. રાજ્યમાં આર્થિક ગુનાખોરી આસમાને છે. છેલ્લાં ૧૫ વર્ષમાં પોંજી સ્કીમમાં ગરીબ-સામાન્ય – મધ્યમ વર્ગના પરિવારોએ ૧ લાખ કરોડ ગુમાવ્યા છે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર જનતાની સુરક્ષા અંગે મોટી મોટી જાહેરાતો કરે છે અને બીજી બાજુ ભાજપ શાસનમાં રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે. દારૂ-જુગારના અડ્ડા ધમધમે છે. ગેરકાયદે નશાનો જથ્થો ઠલવાતો હોય છે. અને અસામાજિક તત્ત્વો, વ્યાજખોરો અને બુટલેગરો, ભૂમાફિયાઓ, ખનીજ ચોરી માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે કેવી રીતે ગુજરાતના નાગરિકને સુરક્ષા મળશે? જેનો જવાબ ગાંધી-સરદારના ગુજરાતમાં નાગરિકો જાણવા માંગે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.